સુરતઃ સારવારમાં બેદરકારીથી યુવકના મોત પર પરિવારજનોની તોડફોડ, જુઓ વીડિયો
સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં દર્દીના મોતથી પરિવારજનોએ તોડફોડ કરી હતી. દર્દીના પરિવારજનોને આક્ષેપ છે કે ડોક્ટરે આપેલા ઇજેક્શનથી દર્દીનું મોત થયું છે. જેને પગલે ઉશ્કેરાયેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. લોકોનો ગુસ્સો જોઇ ડોક્ટર ક્લિનિક બંધ કરી ભાગી ગયો હતો. પરિવારજનોએ ક્લિનિકની બાજુમાં આવેલા મેડિકલ સ્ટોરમાં પણ ભારે તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચતા પોલીસે વધુ તપાસ શરૂ હાથ ધરી છે.
પાંડેસરા સ્થિત બમરોલી રોડ ખાતે રહેતા મહેન્દ્ર સિંહ નામના વ્યક્તિ સંચા મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહેન્દ્ર સિંહના એકવીસ વર્ષીય પુત્ર રાહુલની ગત રવિવારના રોજ અચાનક તબીયત લથડી હતી. પરિણામે તેનો મિત્ર રામ કીશન નજીકમાં આવેલા કૈલાશ ચોકડી ખાતે એક બંગાળી તબીબને ત્યાં સારવાર અર્થે લઇ ગયો હતો.
રિપોર્ટમાં બીમારી ગંભીર હોવાનું જણાવી ઇન્જેક્શન પેટે દોઢસો રૂપિયા તબીબ દ્વારા વસુલવામાં આવ્યા હતા. જો કે બંગાળી તબીબની સારવાર બાદ રાહુલની તબીયત વધુ લથડી ગઈ હતી. બાદમાં રાહુલને વધુ સારવાર માટે બુધવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ત્રણ દિવસની લાંબી સારવાર બાદ રાહુલનું મોત નીપજ્યું હતું.
બંગાળી તબીબ દ્વારા જે રિપોર્ટ બતાવવામાં આવ્યો હતો તેમાં રાહુલને નિમોનિયાની બીમારીનું કારણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ બંગાળી તબીબે ફક્ત મેલેરિયાનો તાવ છે કહી અમોને ઊંધા રસ્તે ચડાવ્યા હતા. બંગાળી તબીબની બેદરકારીના કારણે રાહુલનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ મિત્રે કર્યા હતા.
યુવકના મોતને પગલે રોષે ભરાયેલા ટોળાએ મેડિકલ શોપમાં કરેલી તોડફોડ સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં છ થી સાત જેટલા વ્યક્તિઓએ મેડિકલ શોપમાં ઉગ્ર બોલાચાલી કરતા અને મારામારી બાદ દુકાનમાં તોડફોડ કરતા દેખાઈ છે.