Ahmedabad Heat Wave Update: ગુરૂવારે રાજ્યભરમાં અમદાવાદ 46.6 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી બન્યું
ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ દરરોજ ગરમીના તોડી રહ્યું છે રેકોર્ડ. ગુરૂવારે રાજ્યભરમાં અમદાવાદ હોટેસ્ટ સિટી બન્યું. અમદાવાદ શહેરમાં સવારથી એટલે કે 10 વાગ્યાથી આકરી ગરમીએ જોર પકડ્યું અને બપોરે 12 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 42.4 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ત્યારબાદ સાંજે 4 વાગ્યેને 55 મીનિટે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું. તો પાટનગર ગાંધીનગરનું મહત્તમ તાપમાન પણ 46 ડિગ્રી રહ્યુ. હવામાન વિભાગે હજુ આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આજે મહત્તમ તાપમાન 46 ડિગ્રીથી વધુ રહી શકે છે. ગુરૂવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી રહ્યું હતું. જે અમદાવાદ માટે છેલ્લા 127 વર્ષમાં મે મહિનાનું પાંચમું સૌથી વધુ મહત્તમ તાપમાન છે. અમદાવાદ 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ અને દેશનું આઠમું સૌથી ગરમ શહેર બન્યું. અમદાવાદમાં ગરમી 46 ડિગ્રીને પાર કરી જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગરમીના કારણે પેટમાં દુઃખાવો, ઝાડા- ઉલટી, માથાનો દુઃખાવો, ચક્કર આવવા જેવા ગરમીને લગતા કેસોમાં વધારો નોંધાયો. 46 ડિગ્રી તાપમાનના કારણે અમદાવાદની જુદી-જુદી હોસ્પિટલમાં કુલ 36 લોકોએ સારવાર લીધી. જેમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં 33 લોકોએ સારવાર લીધી, ઉત્તર ઝોનમાં 10, દક્ષિણ ઝોનમાં 20 અને પૂર્વ ઝોનમાં ત્રણ લોકોએ સારવાર લીધી. જ્યારે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં એક-એક લોકોએ આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી.