Ahmedabad Water Issue | અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પાણીની પારાયણ, લોકો ટેન્કરથી પાણી મંગાવવા મજબૂર
Ahmedabad Water Issue | અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યા આ શબ્દો સાંભળવામાં કંઈક અજુગતુ તો લાગે, પરંતુ આ સાચી હકીકત અમદાવાદ શહેરની છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હીરાવાડીની કેટલીક ચાલીઓમાં આજે પણ ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા આઠ મહિનાથી સ્થાનિકો પાણીની સમસ્યાથી ત્રસ્ત જણાઈ રહ્યા છે. અનેકવાર કોર્પોરેટરો અને સ્થાનિક અધિકારીઓને પાણીની સમસ્યા બાબતે રજૂઆત કરાઈ હોવા છતાં પણ તેનું નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું અહીંની સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે પાણી ન આવવાના કારણે ઘરે જો કોઈ મહેમાન આવે તો કેવી રીતે તેમને આવકારવા એ સૌથી મોટો સવાલ તેમના માટે ઊભો થાય છે. ઘરે પાણીની સમસ્યાના લીધે અવારનવાર પડોશીઓ અને ઘરમાં તકરારની પરિસ્થિતિ પણ ઉભી થાય છે. એક તરફ જ્યાં કેન્દ્ર સરકારની નલસે જલ નામની યોજનામાં કામગીરી થઈ હોવાના બણગા ફુગવામાં આવે છે પરંતુ જમીનની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહે છે. અહીંની 10 થી વધુ ચાલીમાં પાણીની સમસ્યા છે અને આ સિવાય જ્યાં પાણી આવે છે ત્યાં દૂષિત પાણી હોય છે. હીરાવાડી વિસ્તારની સરદાર હરભજનસિંહની ચાલી, ગમગીરધારીસિંગની ચાલી, રઘુનાથની ચાલી, અમરસિંગની ચાલી, રાતીલાલની ચાલીમાં પાણીની સમસ્યા છે.