CM Bhupendra Patel | ઈન્ટરનેશનલ યોગ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગાસન
CM Bhupendra Patel | રાજયકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ (Bop) ખાતે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’માં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ‘સીમા પ્રહરી સંમેલન’ને સંબોધન કરતાં જણાવ્યું કે, સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહ મળે છે. દેશની સીમાઓને સુરક્ષિત રાખવાનું કામ BSFના આ જવાનો કરે છે. લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે BSFના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે. BSFના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બનીને સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના BSFના જવાનો દ્વારા સાચા અર્થેમાં સાકાર થઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતા માં નડેશ્વરી માતાના મંદિરે જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નડેશ્વરી માં ના દર્શને પહોંચેલા મુખ્યમંત્રીશ્રીનું મંદિરના ટ્રસ્ટીઓએ સ્વાગત કરી આવકાર્યા હતા. સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, લવિંગજી સોલંકી, માવજી દેસાઈ, BSFના આઈ.જી અભિષેક પાઠક, કલેક્ટર વરુણ કુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સહિત મોટી સંખ્યામાં BSFના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.