Banaskantha News : નિયામકના લેટરમાં ખોટી સહી કરી આચાર્યે રૂપિયા પડાવ્યાનો આરોપ, કરાયા સસ્પેન્ડ
બનાસકાંઠાના મજાદર પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા
બનાસકાંઠામાં વડગામના મજાદર પ્રાથમિક શાળાના આચાર્યને નિયામકની સહીનો દુરુપયોગ કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મજાદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય બ્રિજેશ પરમાર છેલ્લા સમયથી ગાંધીનગરથી નિયામકના લેટરમાં સહીનો ઉપયોગ કરી શિક્ષકોની બદલી કરવાના નામે લાખો રૂપિયા પડાવતા હોવાનો આરોપ છે. સાથે જ બદલીઓના ખોટા લેટર પણ આપી દેતા હતા. ગાંધીનગર નિયામકની ખોટી સહી કરતા આચાર્ય બ્રિજેશ પરમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિયામકે હુકમ કર્યો છે. જોકે, વિદ્યાર્થીઓની લાખો રૂપિયાની શિષ્યવૃત્તિઓ ચાવ કરી હોવાની બાબતે પણ તપાસ ચાલતી હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કહ્યું કે, મજાદર પ્રાથમિક શાળાના આચાર્યની આ કરતૂતનો ભાંડાફોડ થયો છે. નિયામકના લેટરમાં ખોટી સહી કરી અને લાખો રૂપિયા પડાવ્યા હોવાના આરોપ લાગ્યા છે. જે રીતે નકલીની ભરમાર સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ઇનકમટેક્સ અધિકારી, નકલી નોટોથી લઈને, એક ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે સૌથી મોટો પડકાર છે. નકલી જજ પણ હમણાં પકડાયા છે.
આચાર્ય બ્રિજેશ પરમારે ખુલાસો કર્યો કે, સત્યથી બિલકુલ વેગળું છે. પહેલી વાત તો મારા પર એવો કોઈપણ આક્ષેપ થયો નથી કે મેં ખોટી સહી લઈ અને ઓર્ડર આપેલ છે. બીજી વસ્તુ કે જે વ્યક્તિએ મારા પર આક્ષેપ કરેલો છે એ મીનાબેન પટેલને હું મારી જિંદગીમાં ક્યારેય મળ્યો નથી. મેં ક્યારેય એમને જોયા નથી.
જિલ્લા શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલે કહ્યું કે, અમારે ફરાધ તાલુકાની ડુવભ કેન્દ્ર શાળાના શિક્ષિકા મીનાબેન પટેલ કે જેમના દીકરાની બીમારી સબબ ખાસ ચિકિત્સામાં બદલીની ફાઈલ શિક્ષણ વિભાગમાં ચાલતી હતી. જે અનુસંધાને છેલ્લે એમની જુલાઈ અને ઓગસ્ટમાં વિભાગ દ્વારા જરૂરી પૂરતા કરાવવા માટે અમને લેટર કરવામાં આવેલા. આ સમયગાળા દરમિયાન મીનાબેનના પતિ કે જેઓ ફેબ્રુઆરી મહિનાનો એક બનાવટી બદલીનું વિભાગનો હુકમ લઈ અને માનનીય નિયામકની કચેરી ખાતે ગયેલા. એમના એ પત્ર ઉપરથી માનનીય નિયામક શ્રીની કચેરીને ડાઉટ થતા એમને શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી અને શિક્ષણ વિભાગ દ્વારા આવો કોઈપણ પ્રકારનો હુકમ કરવામાં આવેલો નથી. વધુમાં એમની છેલ્લે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધુ પૂરતા માટે શિક્ષણ વિભાગના પત્રો આવેલા. આ બનાવટી હુકમ સંદર્ભે મીનાબેનના પતિ અને મીનાબેન સંબંધિતોની માનનીય નિયામક સાહેબની કચેરી ખાતે સુનાવણી કરવામાં આવેલી. સાથે સાથે અમારી કચેરીમાં પણ સુનાવણી કરવામાં આવેલી. તો એમના પતિ દ્વારા જે નિવેદન આપવામાં આવેલું, સાથે બીજા એક શિક્ષક ભાઈ પણ હતા, એમનું પણ નિવેદન આપવામાં આવેલું. નિવેદન પરથી વડગામ તાલુકાના બ્રિજેશભાઈ પરમાર દ્વારા આવો બનાવટી હુકમ એમને આપવામાં આવેલો એવું એમને નિયામક કચેરી ખાતે લેખિત પણ નિવેદન આપેલું, સાથે સાથે અમારી કચેરીમાં પણ એમને નિવેદન આપેલું. જે ધ્યાને લઈ અને સમગ્ર સુનાવણીના અંતે હાલ તાત્કાલિક અસરના ભાગરૂપે બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને વધુ તપાસ અથવા એમની સામે પોલીસ કાર્યવાહી કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી થરાજ એમને નિયુક્ત કરવામાં આવેલા છે.