Sabarkantha Accident| ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોત
સાબરકાંઠાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર બેફામ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર મહારાણા પ્રતાપ સર્કલ નજીક બેફામ ટ્રકના ચાલકે બાઈક પર જતા પરિવારને અડફેટે લીધો હતો. જેમાં ટ્રકની ટક્કરે માતા-પુત્રનું કરૂણ મોત થયું. જ્યારે પતિનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઈડર પોલીસે વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અરવલ્લીના શામળાજી નજીક હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. ખોડંબા ગામ પાસે બેફામ ટ્રકે બાઈક સવારને ટક્કર મારી હતી. બાઈકને ટ્રકની ટક્કર લાગતા ફૂટબોલની જેમ ફંગોળાઈને નીચે પટકાયા હતાં. જેમાં ગંભીર ઈજા થતા એકનું મોત થયું તો બેને ઈજા પહોંચતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક રોડ પરના બેરિકેડ ઉડાવી ફરાર થઈ ગયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવકો પૂનમ નિમિતે શામળાજી દર્શને નીકળ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.