Surendranagar Firing Case | ખનીજ માફિયાઓ બેફામ, અરજી કરનાર પરિવાર પર 15 લોકોએ કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થતી હોય છે ત્યારે તેને લઈ અનેક વખત મારામારી અને હત્યાના બનાવ બને છે. સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેકટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
જો કે, હવે તો હદ થઈ ગઈ આ ખનિજ માફિયાઓએ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:00 કલાકે ત્રણથી ચાર ગાડીઓમાં 15 થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે. જો તેઓની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા લીમડી DYSP lcd sog સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે.