Jammu Kashmir elections 2024: આજે ચૂંટણીપંચ દ્વારા જમ્મુ-કશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આ સાથે બંને રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2024 માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે, જેમાં કુલ 90 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.રાજીવ કુમારે કહ્યું કે અમે વચન આપ્યું હતું કે ચૂંટણી ટૂંકી કરાવીશું અને જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે.
મુખ્ય તારીખો:
- પ્રથમ તબક્કો (24 બેઠકો): 18 સપ્ટેમ્બર, 2024
- બીજો તબક્કો (26 બેઠકો): 25 સપ્ટેમ્બર, 2024
- ત્રીજો તબક્કો (40 બેઠકો): 1 ઓક્ટોબર, 2024
- મતગણતરી: 4 ઓક્ટોબર, 2024
દરેક તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન, ઉમેદવારી નોંધણી, ચકાસણી અને પાછી ખેંચવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા 6 ઓક્ટોબર, 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
આજે મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ કાશ્મીરની જનતા ચિત્ર બદલવા માંગે છે. ચૂંટણી માટે દરેક વ્યક્તિમાં ઉત્સુકતા છે. ટીમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની મુલાકાત પણ લીધી હતી. અમે હવામાન સારું થવાની રાહ જોઈ રહ્યા હતા. અમરનાથ યાત્રા પૂરી થવાની રાહ જોવાઈ રહી હતી. જમ્મુ કાશ્મીરમાં આ સમયે 87.09 લાખ મતદારો છે. અહીં 20 લાખથી વધુ યુવાનો છે. 20 ઓગસ્ટે અંતિમ મતદાર યાદી જારી કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જમ્મુમાં હવે 43 તો કાશ્મીરમાં 47 બેઠકો હશે. પીઓકે માટે 24 બેઠકો જ અનામત છે. અહીં ચૂંટણી યોજી શકાતી નથી. જ્યારે લદ્દાખમાં વિધાનસભા જ નથી. આ રીતે કુલ 114 બેઠકો છે, જેમાંથી 90 પર ચૂંટણી યોજાશે. જમ્મુ વિસ્તારમાં સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક બેઠક વધારવામાં આવી છે. જ્યારે કાશ્મીર વિસ્તારમાં કુપવાડા જિલ્લામાં એક બેઠક વધારવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. છેલ્લી વખત અહીં 2014માં ચૂંટણી યોજાઈ હતી. અહીંની 87 બેઠકોમાંથી પીડીપીએ 28, ભાજપે 25, નેશનલ કોન્ફરન્સે 15 અને કોંગ્રેસે 12 બેઠકો જીતી હતી. ભાજપ અને પીડીપીએ સાથે મળીને સરકાર બનાવી હતી અને મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા હતા. જાન્યુઆરી 2016માં મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થયું હતું. લગભગ ચાર મહિના સુધી રાજ્યપાલ શાસન લાગુ રહ્યું. પછી તેમની પુત્રી મહેબૂબા મુફ્તી મુખ્યમંત્રી બન્યાં. પરંતુ આ ગઠબંધન વધુ ચાલ્યું નહીં. 19 જૂન 2018ના રોજ ભાજપે પીડીપી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયું. હાલમાં ત્યાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે.