Uttarakhand Cloudburst | ટિહરીમાં ભારે તબાહી, કાટમાળમાં બે લોકો દટાઈ જતા મોત
કેદારનાથની ફૂટપાથ પર ભીમ બલિના ગડેરામાં વાદળ ફાટ્યું હતું. ત્યારે ભારે પથ્થરોના કાટમાળને કારણે લગભગ 30 મીટરનો વૉકિંગ પાથ ક્ષતિગ્રસ્ત થયો હતો અને ફૂટપાથ પર અવરજવર બંધ થઇ ગઇ હતી, જેના કારણે ભીમ બલીમાં લગભગ 150 થી 200 શ્રદ્ધાળુઓ અટવાયા હતા. બીજી બાજુ ટિહરીના ઘંસાલીમાં ગડેરે ઓવરફ્લો થવાને કારણે રસ્તાની બાજુની એક રેસ્ટોરન્ટ અને 8 થી 10 વાહનો ધોવાઈ ગયા હતા. જેમાં રેસ્ટોરન્ટ સંચાલક, તેની પત્ની અને પુત્રનું મોત થયું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ રુદ્રપ્રયાગમાં ઘણી જગ્યાએ કેદારનાથ ફૂટપાથ ધરાશાયી થઈ હતી. જેના કારણે યાત્રાળુઓને માત્ર કેમ્પમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં મંદાકિની નદીનું જળસ્તર વધવાને કારણે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં તપ્તકુંડ વિસ્તારમાં પાર્કિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું. તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બીજી બાજુ હરિદ્વારમાં ઘરની છત ધરાશાયી થતાં બે બાળકોના મોત થયા હતા અને દેહરાદૂનમાં બે યુવકો વરસાદી નાળામાં તણાઈ ગયા હતા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. હલ્દાણીમાં પણ એક યુવાન નદીમાં તણાઈ ગયો હતો. તેમજ ચમોલીના બેલચૌરી નામના સ્થળે મકાન ધરાશાયી થવાની અને એક મહિલા અને બાળક ગુમ થવાની માહિતી સાંપડી હતી.