ગેનીબેન ઠાકોરનું નામ સૌ કોઈને યાદ રહેશે કારણ કે, બનાસકાંઠાની બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન વિજેતા જાહેર થયા હતા. ગેનીબેન એકલા ગુજરાતમાં ભાજપ પર ભારે પડ્યા હતા. ગુજરાતમાં આ વખતે ભાજપને મોટો ફટકો લાગ્યો છે. સતત ત્રીજી ટર્મમાં ક્લિન સ્વિપ કરવાના ઇરાદાને ગેનીબેન ઠાકોરે તોડી નાંખ્યો છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવીને આ બેઠક કબજે કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાને 62 વર્ષ બાદ પહેલીવાર કોઇ મહિલા સાંસદ મળ્યા છે. ગેનીબેન ઠાકોરની જીત થતાં જ કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે. કોંગ્રેસના નેતાઓ ગેનીબેનને અભિનંદન આપવા પહોંચ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ગેનીબેન બળદેવજી ઠાકોર સામે મળતાં જ ભાવુક થયા હતા.