Gujarat Rain Red Alert | દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શૈક્ષણિક કાર્ય બંધ
Rain News: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમા મેઘરાજાએ તાંડવ કરવાનું શરૂ કર્યુ છે. હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં 11 ઇંચ અને પલસાણામાં 10 વરસાદ પડતા ઘરો અને રૉડ-રસ્તાંઓ પર પાણી ફરી વળ્યા છે અને હવે આની અસર શૈક્ષણિક કાર્ય પર પણ પડી છે. ગઇકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગે નિર્ણય લેવાયો હતો, હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યૂનિવર્સિટીની પરીક્ષાને પણ મોકૂફ રખાઇ છે.
દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદના કારણે યૂનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યુ કે, હાલમાં યૂનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પૂરક પરીક્ષાને ભારે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે, અને આગામી નવી તારીખો અંગે પણ ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જિલ્લામાં શૈક્ષણિક કાર્યને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, સુરત, વલસાડ, નવસારી ત્રણેય જિલ્લામાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે, જેના કારણે સ્કૂલ, કૉલેજ અને આઇટીઆઇ સહિતની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.