સુરતઃ કોઝવે પર સેલ્ફી લેવા જતાં ચાર મિત્રો ડૂબ્યા, બેને બચાવાયા, બેનાં મોત, જુઓ વીડિયો
સુરતઃ રાંદેર કોઝ-વે ખાતે ચાર મિત્રો ફરવા માટે ગયા હતા. દરમિયાન સેલ્ફી લેવા જતાં બે મિત્રો કોઝ-વેમાં પડી ગયા હતા. જેને બચાવવા માટે બે મિત્રો પણ પડ્યા હતા. જોકે, ચારેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. રાહદારીઓ જોઈ જતા ફાયરને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. દરમિયાન બે મિત્રોને લોકોએ બચાવી લીધા હતા. જ્યારે બે મિત્રોને રેસ્ક્યૂ કરી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, અહીં બેને મૃત જાહેર કરાયા છે.
નાનપુરા હબિબ શાહ મહોલ્લાના રહેવાસી અને ધોરણ 8ના સ્ટુડન્ટ રાંદેરમાં આવેલા કોઝ-વે ખાતે ચાર મિત્રો વહેલી સવારે ફરવા માટે ગયા હતા. જ્યાં કોઝ-વેના પુલ પર રહેલી દોરી પકડી સેલ્ફી લઈ રહ્યા હતા. દરમિયાન બે મિત્રો પાણીમાં પડી ગયા હતા. જેને બચાવવા અન્ય બે મિત્રો પણ કોઝ-વેમાં પડ્યા હતા. જોકે, ચારેય મિત્રો એક પછી એક પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને બચાવો બચાવોની બુમાબુમ કરી રહ્યા હતા. જેથી રાહદારીઓની નજર જતા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ બે યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે ફાયર વિભાગે પહોંચી બે યુવાનોને બહાર કાઢ્યા હતા. જેમાં બે યુવાનો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે બેની હાલતમાં સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. મહમ્મદ અસલાદ આમદ હુસૈન શેખ (15) અને મહમ્મદ ઝેડ અબ્દુલ રહિમ પાટીદાર (15)નું મોત થયું છે. જ્યારે મહમ્મહ સોહિલ ખાન (15) અનેમહમ્મદ શેફ ખાન (15)નો બચાવ થયો છે.