અમદાવાદઃ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના ઇશારે સૌરાષ્ટ્રમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહેલા બે ભાઇઓને પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે. વસીમ અને નઈમ રામોડિયા નામના આ બંન્ને ભાઇઓ ચોટીલા સહિતના સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. વસીમ અને નઇમના પિતા આરીફ રામોડિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આ અંગે કાંઇ જાણતો નથી. પોલીસ જ્યારે મોડી રાત્રે અમારા ઘરે આવી ત્યારે અમને આ અંગેની જાણ થઇ હતી.
આંખમાં આંસુ સાથે આરીફ રામોડિયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાના આતંકી સંગઠન સાથે સંબંધથી અમારે ઝેર પીને મરી જવાનો વારો આવ્યો છે. પોલીસે જ્યારે તેમની ધરપકડ કરી ત્યારે મને આ અંગેની જાણ થઇ હતી.
બંને સગા ભાઇઓ છે અને તેમના પિતા આરીફ રામોડિયા રાજકોટમાં અત્યંત જાણીતું નામ છે. આરીફ રામોડિયા જાણીતા ક્રિકેટ અંપાયર છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની ક્રિકેટ સ્પર્ધાઓમાં અંપાયરિંગ કરીને તેમણે ભારે આદર મેળવ્યો છે.
વસીમ અને નઈમ રામોડિયા પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી હાથ લાગી છે. જેમાં 90 ગ્રામ ગન પાઉડર, 9 વોલ્ટની બેટરી સહિતની સામગ્રી એટીએસ કબજે કરી છે. જ્યારે તેમની સાથે કોણ કોણ સંકળાયેલું હતું તેની ગુજરાત એટીએસ તપાસ કરી રહ્યું છે.