શું વસીમની વાઇફે જ પતિને હુમલા માટે ઉશ્કેર્યો હતો? શું કહે છે ATS
રાજકોટઃ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોર્ડ (ATS)એ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના બે આતંકીઓની ધરપકડ કરી મોટી સફળતા મેળવી હતી. એટીએસના કહેવા પ્રમાણે, ઝડપાયેલા આતંકીઓ સગા ભાઇઓ છે અને તેમની ઓળખ વસીમ રામોડીયા અને નઈમ રામોડીયા તરીકે થઇ છે.
એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે વસીમની પત્ની શેહઝીનને પોતાના પતિના કરતૂતની જાણ હતી અને જ્યારે વસીમે તેને જણાવ્યું કે તે કોઇ હિંસક યોજનાને અંજામ આપવા માટે ચોટિલા આવ્યો છે ત્યારે શેહઝીને વસીમને જણાવ્યું હતું કે તમે તમારા આઇએસ હેન્ડલરને કહો કે તમે એકલા જ આ ઘટનાને અંજામ આપી શકતા નથી પરંતુ પોતાના ભાઇ નઇમને મદદ માટે સાથે લઇ જાવ.
જોકે, એટીએસએ હજુ સુધી શેહઝીનને આરોપી બનાવી નથી. એટીએસના સૂત્રોના કહેવા પ્રમાણે, શેહઝીનને દોઢ મહિનાની દીકરી હોવાથી તેની ધરપકડ કરી નથી. જોકે, શેહઝીનને આરોપી બનાવવામાં આવે કે પછી સાક્ષી તરીકે રજૂ કરવામાં આવે તે વાતને લઇને અધિકારીઓ મૂંઝવણમાં છે. બંન્ને ભાઇઓ છેલ્લા બે વર્ષથી ISISના સંપર્કમાં હતા.
એક ભાઇએ એમસીએ અને બીજાએ બીસીએ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બંન્ને છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયામાં એક્ટિવ હતાં. બંન્ને ભાઇઓ આઇએસના ઇશારે ગુજરાત ધાર્મિક સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા.