નવી દિલ્હીઃ ભારત સહિત વિદેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતના સુરતમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેઇનમાં લોકોને માથું નથી દુખતું, ખાંસી નથી આવતી, તાવ નથી આવતો એટલે કોરોનાના કોઇ લક્ષણ દેખાતા નથી. પરંતુ જે કોઇ લોકોને અશક્તિ, ડાયેરિયા (ઝાડા-ઉલ્ટી) કે શરીર દુ:ખે એવા પણ લક્ષણો હોઇ તો તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ. આ દરમિયાન કોવિડ-19ને લઈ થયેલા એક રિસર્ચમાં કોરોનાના દર્દીઓમાં ટીનીટસ, ચક્કર અને શ્રવણ શક્તિ ગુમાવવી જેવા લક્ષણો જોવા મળ્યા છે.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત થયેલા લેખ મુજબ, પ્રો.કેવિન મુનરો અને પીએચ.ડી.રિસર્ચરે ઈબ્રાહીમ અલમુફરજીએ કોવિડ-19 બાદ થતી તકલીફોને લઈ રિસર્ચ કર્યુ હતું. જેમાં કોરોનાથી મુક્ત થયા બાદ 7.6 ટકા લોકોની શ્રવણ ક્ષમતા પર અસર પડી હતી. જ્યારે 14.8 ટકાએ ટીનીટસ (કાનમાં અવાજ આવવા)ની અને 7.2 ટકાએ ચક્કરની ફરિયાદ કરી હતી.
શું છે ટીનીટસની તકલીફ?
જ્યારે કોઈ વ્યક્તિના કાનમાં વિશેષ પ્રકારના અવાજ જેમકે સીટી વાગવી, કોઈ પણ વાત કે વસ્તુના ભણકારા સંભળાવા જેવી તકલીફો હોય તેને ટીનીટસ તરીકે ઓળખવામાં આવે છે. રિસર્ચમાં સામેલ થયેલા લોકોએ પણ કોરોનાથી ઠીક થયા બાદ આ તકલીક હોવાની ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે ટીનીટસના કારણો કાનમાં મેલ જામી જવો, કોઈ ઈજા, ઈન્ફેક્શન હોય છે પરંતુ હવે કોરોનાથી ઠીક થયેલા લોકોમાં પણ આ તકલીફ જોવા મળી રહી છે.
શ્રવણ શક્તિ પર શું થઈ અસર
પ્રો. મુનરોના કહેવા મુજબ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે ગયેલા 13 ટકા દર્દીઓમાં સાંભળવાની સમસ્યા ઉભી થઈ હતી. તેઓ બરાબર સાંભળી શકતા નહોતા. જ્યારે ઘણાનું ધ્યાન હોય તો જ શું બોલ્યા તે સાંભળી શકતા હતા.