Bhavnagar: ભાવનગર-ધોલેરા (Bhavnagar - Dholera) હાઇવે પર આવેલા મુંડી ગામના પાટિયા પાસે મોડી સાંજે અકસ્માત (Accident) સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલી કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ત્રણ સગી બહેનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તમામ ઈજાગ્રસ્તો તળાજા તાલુકાના ભદ્રાવડ ગામના વતની હોવાની માહિતી મળી છે.
સુરત જઈ રહ્યો હતો પરિવારઃ
કારમાં સવાર થઈને પરિવારના 6 લોકો પોતાના વતનથી સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાવનગર-ધોલેરા હાઈવે પર મુંડી ગામના પાટિયા પાસે કાર અને એસટી બસનો અકસ્માત થયો હતો. અકસ્માત બનતા ધંધુકા તથા પીપળીની 108 એમ્બ્યુલનસ સેવા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ તમામ ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાલ ત્રણેય સગી બહેનો જે ગંભીર રીતે ઘાયલ થઈ છે તેમની સારવાર કરવામાં આવી રહી છે.
નવસારીમાં ફરી એકવાર બેકાબુ ટ્રકે લીધો નિર્દોષનો જીવ
નવસારી શહેરમાં આવેલા અરડા વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરે બાઈક સવાર બે યુવકોને અડફેટે લેતા એકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. મૂળ નવસારીના અને દુબઇ ખાતે નોકરી કરતા ચિંતન આહીર નામના 26 વર્ષીય યુવકનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ગણદેવી થી નવસારી આવતા ટ્રકે બે યુવકોને પાછળથી ટક્કર મારતાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
એક વ્યક્તિનો ભોગ લેનાર આ ટ્રક ડ્રાઈવર અકસ્માત કરીને ભાગવા જતો હતો ત્યાં જ ટ્રક ડ્રાઇવરને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રક ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ટ્રક ડ્રાઈવરને અકસ્માત સ્થળ પર લઈને પોલીસે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો....