નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટર સાથે સંકળાયેલા અનેક સુધારા પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તેનાથી ઈન્ડસ્ટ્રીની સાથે સાથે આમ આદમીને પણ ઘણી સગવડો મળશે.
પ્રીપેડ-પોસ્ટેડ ટ્રાન્સફર માટે કેવાયસી નહીં
હાલ કોઈ ગ્રાહક પ્રીપેડ નંબરને પોસ્ટપેડ કે પોસ્ટપેડ નંબરને પ્રીપેડમાં બદલવા માંગતા હોય તો વાંરવાર કેવાયસીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ હવે સરકાર આ ઝંઝટમાંથી છુટકારો અપાવવા નિયમ બદલી રહી છે. હવે ડિજિટલ કેવાયસી માન્ય ગણાશે તેથી કેવાયસીની લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે.
હવે માત્ર ડિજિટલ કેવાયસી
જો તમે નવો મોબાઇલ ફોન કે ટેલિફોન કનેકશન લો છો તો કેવાયસી ડિજિટલ થશે. એટલેકે કેવાયસી માટે કોઈ કાગળ નહીં જમા કરાવવા પડે.
આ ઉપરાંત સરકારે ટેલીકોમ સેક્ટરમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપી છે. આ એફડીઆઈ ઓટોમેટિક રૂટથી આવશે અને તમામ સુરક્ષા ઉપાયનું પાલન કરાશે. એફડીઆઈ સેક્ટરમાં રોકાણ વધશે. તેનાથી કંપનીઓ નવી ટેકનોલોજી ખાસ કરીને 5જી પણ રોકાણ કરી શકશે અને ગ્રાહકોને નવી તથા આધુનિક સુવિધા આપી શકશે.
બેઠક બાદ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મંત્રીમંડળે નવ સંરચનાત્મક સુધારાને મંજૂરી આપી છે. સ્પેક્ટ્રમ પ્રયોગકર્તા ભાડું સુસંગત બનાવાયું છે. મંત્રીમંડળે ટેલિફોન કંપનીઓને બાકી ચુકવવા માટે ચાર વર્ષની મુદત આપી છે. ટેલિફોન કંપનીઓ મુદત દરમિયાન વ્યાજની ચૂકવણી કરશે. સ્પેક્ટ્રમની હરાજી ચાલુ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં થશે.