1960ના દાયકાના અંતમાં શરુ થયેલા માફિયારાજમાં સમયાંતરે ગેંગસ્ટરના નામ બદલાયા પરંતુ શહેરની પરિસ્થિતી ન બદલી. શહેરના વેપારી હોય કે ઉદ્યોગપતિ કે પછી અન્ય બધા લોકોએ ડોનનો આદેશ માનવો પડતો. ડોનના સાગરીતો શહેરમાં ગુંડાગીરી કરતા અને તેની વિરુધ્ધ કોઈ ફરિયાદ કરે તો જેલમાં જવાની હિંમત ખરી પરંતુ છૂટ્યા બાદ કિંમત તો ફરિયાદીએ ચૂકવવી પડતી. સમય જતાં લોકો આવા માથાભારે લોકોનો ત્રાસ સહન કરતા થઈ ગયા અને તેનુ પરિણામ એ આવ્યુ કે તેમનો પોલીસ પરથી ધીરે ધીરે ભરોસો ઉઠવા લાગ્યો. ગેંગસ્ટર અને તેના સાગરીતો કયાં રહે છે, શુ ધંધા કરે છે તેની દરેક હિલચાલ પર પોલીસ નજર રાખવા લાગી. પોરબંદરની લોકલ ક્રાઈમ બ્રાંચમાં આજે પણ દરેક ગેંગસ્ટર અને તેની ગેંગના સભ્યોની યાદી ધરાવતુ ગેંગ રજીસ્ટર રાખવામાં આવ્યુ છે. અહીં તમને દેવુ વાઘેર, સરમણ મુંજા જા઼ડેજા, નારણ મેપા, રામા નિરાશ્રીત, નારણ સુધા, મમુમિયાં પંજુમિયાં, ગોવિંદ તોરણીયા (ગોવિંદ ટીટી) ,ભુરા મુંજા, જશુ ગગન, હિકુ ગગન, લાલજી પાંજરી, સંતોકબેન જાડેજા, કાળા કેશવ, ભોજા કાના, ભીખુ દાઢી, ભીમા દુલા, કાંધલ જાડેજા, લાખા રામા અને માલદે રામા જેવા અનેક નામો તમને આ પોલીસના ગેંગ રજીસ્ટરમાં જોવા મળશે. આ તમામ નામો છે જેમને અહિંસાના પૂજારી મહાત્માં ગાંધીના શહેર પોરબંદરને મીની શિકાગો નામ આપ્યુ.
(નારણ મેપા અને સરમણ મુંજા જાડેજા)
પોરબંદર શહેર કઈ રીતે બન્યું મીની શિકાગો
પોરબંદર મીની શિકાગો કેમ કહેવાયુ તેના પર નજર કરીએ .આપણે ત્યાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવુ તે દાયકાઓથી ચાલ્યુ આવે છે. વાંચવાના શોખીન લોકોએ જાણીતા લેખક મારિયો પુઝોની નવલકથા 'ધ ગોડફાધર' વાંચી ન હોય તેવુ ભાગ્યે જ હશે. 20મી સદીમાં અમેરિકા અને ઈટાલી સહિતના દેશોમાં માફિયાઓ રાજ કરતા હતા. આ નવલકથામાં મારિયો પુઝોએ તત્કાલીન સમયમાં માફિયાઓનો જે દબદબો હતો તે ખૂબ જ રોચક રીતે દર્શાવ્યો છે. આ નવલકથા પર થી "ધ ગોડફાધર" ફિલ્મ પણ બની હતી. જે સુપરહીટ સાબિત થઈ હતી. 20 મી સદીમાં અમેરિકા, ઈટાલી, રશિયા, મેકસિકો અને કોલંબીયા જેવા અનેક દેશો પર માફિયાઓનો ખૂબ આતંક હતો. અમેરિકાના શિકાગોમાં ગુંડારાજ હતું. આ ગુંડારાજ પર વર્ષો બાદ તેના પર કાબુ મેળવી શકાયો. આ શિકાગોની જેમ 1960 પછી અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર મારામારી, ખુન ખરાબાને લઈને ખૂબ ચર્ચામાં રહ્યુ જેને પગલે શહેર મીની શિકાગો તરીકે ઓળખાવા લાગ્યુ હતુ.
પોરબંદરના ડોન અને પોલીસ પર બની છે ફિલ્મો
મુંબઈના અંડરવર્લ્ડ પર બોલીવૂડમાં અનેક ફિલ્મો બની જે મોટાભાગે સુપરહીટ સાબીત થઈ છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની 1973માં બનેલી ફિલ્મ 'ઝંજીર' મુંબઈના ડોન કરીમલાલાના જીવન પર આધારીત હતી. આ ઉપરાંત 'દિવાર', 'ડોન', જેકી શ્રોફ અને અનિલકપૂરની ફિલ્મ 'પરીંદા', વિનોજ ખન્નાની 'દયાવાન',મનોજ બાજપેયીની 'સત્યા', અજય દેવગનની ફિલ્મ 'કંપની', 'વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ', સંજયદત્તની ફિલ્મ 'વાસ્તવ' જેવી અનેક ફિલ્મોથી લઈ છેલ્લી આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠીયાવાડી' સુધી મસમોટી યાદી લખી શકાય.ગુજરાતના પોરબંદર શહેરના માફિયા રાજ અને પોલીસ અધિકારી પર બોલીવુડની બે ફિલ્મો ખાસ ચર્ચાસ્પદ રહી છે. પોરબંદરના એકમાત્ર મહિલા ડોન સંતોકબેન જાડેજાના જીવન પર આધારીત 'ગોડમધર' વિનય શુકલની આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી.જયારે બીજી ફિલ્મ પોરબંદરમાં ડીવાયએસપી તરીકે નોકરી કરી ચૂકેલા પોલીસ અધિકારી એવા મહેન્દ્રસિંહ મદારસિંહ ઝાલા (એમ.એમ.ઝાલા) જેઓ ઝંઝીરવાલા ઝાલા તરીકે ઓળખાતા તેમના પર બનેલી ફિલ્મ 'અગ્નીકાલ' જેમાં રાજ બબ્બરે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ડોન સરમણ મુંજાના જીવન પર આધારીત ફિલ્મ "શેર" બની જેમાં સંજયદત્ત મુખ્ય ભૂમિકામાં છે, જોકે કોઈ કારણોસર રિલીઝ થઈ શકી નહીં
જશુ ગગનનો ચમક્યો સિતારો
ખારવાવાડના ડોન નારણ મેપાના બે ભાઈ બાબલ અને કરશન મેપાની હત્યા બાદ તેનો દબદબો પૂર્ણ થવા લાગ્યો હતો. બીજી તરફ કરશન મેપાની હત્યા બાદ જશુ ગગનનો સિતારો ચમકવા લાગે છે. કરશન મેપાની હત્યા બાદ જશુ અને તેના સાગરીતો નાસતા ફરે છે. બીજી તરફ નારણ મેપાની ફરિયાદને આધારે પોલીસ આરોપીઓને પકડી લેવા ખારવાવાડ સહિત શહેરમાં કોમ્બીંગ શરુ કરે છે પરંતુ કોઈ ભાળ મળતી નથી. ઘણા દિવસો પછી મહિનાો વિતવા છતાં આરોપીઓના કોઈ સગડ ન મળતા પોલીસ પર આરોપીઓને પકડવા દબાણ વધે છે. હવે પોલીસ આરોપીને ઝડપી લેવા ખારવાવાડ સહિત શહેરમાં ફરતા તેમના બાતમીદારોને કામ પર લગાવે છે.
એ સમયમાં બાતમીદારનો રહેતો દબદબો
તે સમયે આરોપીઓની ભાળ હાલના ડિજિટલ યુગની જેમ મોબાઈલ લોકેશન પરથી તાત્કાલીક મળતી નહીં. શહેરમાં ખૂબ ઓછા લોકોના ઘરે ટેલીફોન હતા. 70ના દાયકામાં ટેલીફોન મેળવવા માટે ફોર્મ ભર્યા બાદ લોકોએ છ મહિનાથી લઈને એક વર્ષ સુધી રાહ જોવી પડતી. તેમના નામનો વારો પહેલા આવે તે માટે રાજનેતાની પહોંચ હોય તો સંસદસભ્યના ક્વોટામાંથી ટેલીફોન મેળવી શકાતો. પોલીસ તપાસમાં આરોપીઓને ઝડપવા માટે મહત્વનો ભાગ બાતમીદાર ભજવતા. ભલભલા આરોપીઓની ભાળ મેળવવા પોલીસ અધિકારીઓ જયારે નિષ્ફળ જતાં ત્યારે તેમના તાબાના બાતમીદારોની મદદથી કેસનો કોયડો ઉકેલતા અને એટલે જ પોલીસ બાતમીદારોને ખાસ સાચવતી. જયારે શહેરમાં કોઈ મોટી હત્યા, લૂંટ કે મારામારીના કિસ્સા બનતા ત્યારે બાતમીદારોનો દબદબો વધી જતો કારણ કે તેમની માહિતીના આધારે જ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકતી.
બાતમીદાર માટે અધિકારી કરિયર દાવ પર લગાવતા
આજે પોલીસ ખાતાના અધિકારીઓ નબળા પડતા જાય છે તેમાં મહત્વનુ પાસુ બાતમીદારોનો અભાવ છે. તે સમયે પોલીસ અધિકારીઓ બાતમીદાર માટે પોતાનું કરિયર દાવ પર લગાવી દેતા. જયારે આજે બાતમીદારોના નામ પણ ખાનગી રહેતા નથી. આજે તો સમય એવો આવી ગયો છે કે જો બાતમીદાર અધિકારીને માત્ર એક સામાન્ય બુટલેગરની માહિતી આપે તો બાતમીદાર ઘરે પહોંચે તે પહેલા રસ્તામાં બુટલેગર મારુ નામ કેમ આપ્યુ તેમ કહીને એના પર હુમલો કરે છે. આજે અધિકારીઓ પોતાની નૈતીકતા ગુમાવતા જાય છે. કરશન મેપા હત્યાકેસમાં જશુ ગગનને પકડવા પોલીસે ખારવાવાડમાં પોતાના બાતમીદારોને કામે લગાડતા
જશુ ગગનને ખારવાવાડમાંથી ઝબ્બે કરતી પોલીસ
કરશન મેપાની હત્યાના ત્રણ મહિના બાદ એક દિવસ બપોરના સમયે ડીવાયએસપી આર.કે દ્રિવેદીની ઓફિસનો ટેલીફોન રણકે છે. અધિકારી ફોન ઉપાડી હેલ્લો બોલે છે. સામા છેડે બોલનાર એક બાતમીદાર જશુ ગગન આ સ્થળે છુપાયો હોવાની માહિતી આપતા અધિકારીના મોઢા પર ચમક આવી જાય છે. તાત્કાલીક તેમના સ્ટાફને બોલાવી મહત્વના કામ માટે જવાનુ હોય તૈયાર રહેવા કહે છે. અધિકારી પોતાના ઉપરી અધિકારી એવા જિલ્લા પોલીસ વડા મજબુતસિંહ જાડેજાને જાણ કરે છે અને તેઓ આગળ વધવાની સૂચના આપે છે. ડીવાયએસપી દ્રિવેદી તેમના સ્ટાફ સાથે રાખી એક મહત્વના કામે ખારવાવાડ જવાનુ કહે છે. ખારવાવાડમાં કોઈ કંઈ સમજે તે પહેલા પોલીસ બાતમીદારે આપેલી માહિતી મુજબ એક ઘર પાસે પહોંચે છે. ઘરનો દરવાજો ખટખટાવતા દરવાજો ખુલે છે અને દ્રિવેદી અંદર જઈને પ્રથમ માળ પર જાય છે તો તેમને જશુ ગગન મળી આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી જશુ ગગનને માત્ર 30 મીનીટના ઓપરેશનમાં પકડી લેવામાં પોલીસને મોટી સફળતા મળે છે.
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-9માં માફિયાની એન્ટ્રીથી કઈ રીતે પોરબંદરનુ રાજકારણ ગરમાયુ તેના વિશે વાંચીશુ....
એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)
ગેંગ્સ ઓફ પોરબંદર પાર્ટ 2 : ગાંધીજીની જન્મભૂમિ કઈ રીતે બની હિંસાનું કેંદ્ર
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-4: દાણચોરીનો દરિયો પોરબંદર
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-5 : દાણચોરીના બેતાજ બાદશાહ
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-6 : પોરબંદરના ડોન નારણ મેપાના ભાઈની હત્યાથી શરુ થઈ ગેંગવોર
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-7 : ખારવાવાડની એ હત્યા જેણે જશુ ગગનને બનાવ્યો ડોન