Lok Sabha Election 2024: ગુજરાતમાં તમામ 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે, ગુજરાતના બે મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં દિગ્ગજ નેતાઓની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, આ અંતર્ગત આજે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ફોર્મ ભરવાનું આયોજન થઇ રહ્યું છે. સુત્રો અનુસાર, આજે કોંગ્રેસનું મહેસાણામાં શક્તિ પ્રદર્શન થશે. આ દરમિયાન અહીં એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. 


આજે પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે, લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ચંદનજી ઠાકોર અને કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે. પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રોચક જંગ જોવા મળશે, અહીં ભાજપે ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીને ટિકીટ આપી છે, તો કોંગ્રેસે પણ ઠાકોર નેતાને જ મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકીટ આપીને ઠાકોરની સાથે સાથે અન્ય જાતિના મતો પણ પોતાની તરફ ખેંચવા માટે પ્રયાસ કર્યો છે. 


આજે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે, આ પહેલા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન થશે, આજે સવારે ચંદનજી ઠાકોર કુળદેવી માતાજીના દર્શન કરીને દિવસની શરૂઆત કરશે. ફોર્મ ભરતા પહેલા અહીં ચંદનજી ઠાકોર એક જંગી જનસભાને સંબોધશે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજો મંચ પર જોવા મળશે, શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી હાજર રહેશે, આ ઉપરાંત ગેનીબેન ઠાકોર અને કિરીટ પટેલ પણ પાટણ પહોંચશે. 


શું 400 સીટ જીતવાનું બીજેપીનું સપનું રોળાશે? રાહુલ ગાંધીએ કરી ભવિષ્યવાણી, ચોંકાવનારો છે આંકડો


લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક તરફ ભાજપે દાવો કર્યો છે કે NDA 400થી વધુ સીટો જીતશે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી સમયે સીટોની સંખ્યાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. બુધવારે (17 એપ્રિલ) તેમણે દાવો કર્યો હતો કે આ વખતે ભાજપને માત્ર 150 સીટો મળશે. રાહુલ ગાંધીએ ગાઝિયાબાદમાં અખિલેશ યાદવ સાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે આખા દેશમાં જબરદસ્ત અંડરકરંટ છે. તેમણે કહ્યું છે કે, "હું સીટોની આગાહી કરતો નથી. 15-20 દિવસ પહેલા હું વિચારતો હતો કે ભાજપ લગભગ 180 સીટો જીતશે, પરંતુ હવે મને લાગે છે કે તેઓ 150 સીટો મેળવશે. અમને દરેક રાજ્યમાંથી અહેવાલો મળી રહ્યા છે કે અમે સારુ પ્રદર્શન કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં અમારું ગઠબંધન ઘણું મજબૂત છે અને અમે ખૂબ સારું પ્રદર્શન કરીશું."


રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપ બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે


રાહુલ ગાંધીએ કહ્યું, 'આ ચૂંટણી વિચારધારાની ચૂંટણી છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણ અને લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ ભારત અને કોંગ્રેસ પાર્ટી બંધારણ અને લોકશાહીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીમાં 2-3 મોટા મુદ્દા છે. બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે અને મોંઘવારી બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે, પરંતુ ભાજપ ધ્યાન હટાવવામાં વ્યસ્ત છે, ન તો વડાપ્રધાન કે ભાજપ મુદ્દાઓ પર વાત કરે છે.


રાહુલ ગાંધીએ કહ્યું- યુવાનોના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવશે


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીએ નોટબંધી, ખોટી GST લાગુ કરીને અને અદાણી જેવા મોટા અબજોપતિઓને સમર્થન આપીને રોજગાર સર્જન પ્રણાલીમાં ઘટાડો કર્યો છે. પહેલું કામ ફરી એકવાર રોજગારને મજબૂત કરવાનું છે, આ માટે અમે અમારા મેનિફેસ્ટોમાં 23 વિચારો આપ્યા છે, એક વિચાર ક્રાંતિકારી વિચાર છે - એપ્રેન્ટિસશિપનો અધિકાર. અમે નિર્ણય કર્યો છે કે અમે ઉત્તર પ્રદેશના તમામ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને એપ્રેન્ટિસશિપનો અધિકાર આપીશું. તાલીમ આપવામાં આવશે અને અમે યુવાનોના બેંક ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવીશું અને અમે કરોડો યુવાનોને આ અધિકારો આપી રહ્યા છીએ, અમે પેપર લીક માટે પણ કાયદો બનાવીશું.