Supreme court: સોમવારે (19 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટે કોસ્ટ ગાર્ડમાં મહિલાઓને કાયમી કમિશન આપવાના કેસની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની ખંડીપીઠે કેન્દ્રને પૂછ્યું કે કોસ્ટ કાર્ડ પ્રત્યે તમારું વલણ આટલું ઉદાસીન કેમ છે? કોસ્ટ ગાર્ડમાં મહિલાઓનું કાયમી કમિશન કેમ ઇચ્છતા નથી? બેન્ચે કહ્યું કે, જો મહિલાઓ સરહદોની રક્ષા કરી શકે છે તો તેઓ દરિયાકિનારાની પણ રક્ષા કરી શકે છે. તમે 'નારી શક્તિ'ની વાત કરો છો. હવે તેને અહીં બતાવો.


 સુપ્રીમ કોર્ટ સોમવારે વુમન કોસ્ટ ગાર્ડ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર પ્રિયંકા ત્યાગીની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન CJIએ કેન્દ્રને કહ્યું હતુ કે  "તમે (કેન્દ્ર) નારી શક્તિ, નારી શક્તિ વિશે વાત કરો છો, હવે તે અહીં બતાવો." કોર્ટે કહ્યું, જ્યારે ત્રણ સશસ્ત્ર દળો - આર્મી, એરફોર્સ અને નેવીમાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણય છતાં તમે આટલા પિતૃસત્તાક કેમ છો કે તમે મહિલાઓને કોસ્ટ ગાર્ડ સેક્ટરમાં જોવા માંગતા નથી? કોસ્ટ ગાર્ડ પ્રત્યે ઉદાસીન વલણ કેમ રાખો છો?"


મહિલાઓ પણ દરિયાકાંઠાનું રક્ષણ કરી શકે છે- સુપ્રીમ કોર્ટ


જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ બેન્ચમાં સામેલ હતા. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જીએ બેન્ચને કહ્યું કે કોસ્ટ ગાર્ડ આર્મી અને નેવી કરતા અલગ ડોમેનમાં કામ કરે છે. સુપ્રીમ કોર્ટે કાયદા અધિકારીને ત્રણ સંરક્ષણ સેવાઓમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાના નિર્ણયનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું, તે દિવસો ગયા જ્યારે કહેવામાં આવતું હતું કે મહિલાઓ કોસ્ટ ગાર્ડમાં રહી શકતી નથી. જો મહિલાઓ સરહદોનું રક્ષણ કરી શકે છે તો મહિલાઓ પણ દરિયાકિનારાનું રક્ષણ કરી શકે છે.


સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 2020ના બબીતા ​​પુનિયાના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો. સુપ્રીમ કોર્ટે તેના 2020ના નિર્ણયમાં કહ્યું હતું કે સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવામાં આવે. ત્યારબાદ કોર્ટે સરકારની "શારીરિક મર્યાદાઓ અને સામાજિક ધોરણો"ની દલીલને ફગાવી દીધી હતી.