રાયપુરઃ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. સુરેશ રૈનાએ થોડા દિવસો પહેલા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રૈના હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સ તરફથી રમી રહ્યો છે. આ ટીમનું નેતૃત્વ સચિન તેંડુલકર કરે છે. બુધવારે સેમિફાઇનલ મેચમાં ઇન્ડિયા લિજેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સ ટકરાયા હતા. વરસાદને કારણે મેચ રોકવાની ફરજ પડી હતી
ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં સુરેશ રૈનાએ શાનદાર ફિલ્ડિંગ કરી હતી. ઈનિંગની 16મી ઓવરમાં ભારત તરફથી અભિમન્યુ મિથુન બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બેન ડંકે પોઈન્ટ તરફ શોર્ટ ફટકાર્યો હતો ત્યારે રૈનાએ ડાઇવ લગાવીને કેચ ઝડપ્યો હતો. કેચ બાદ રૈના પાસે પહોંચેલા સચિન તેંડુલકરે તેને ગળે લગાવ્યો હતો. જોકે, રૈના વર્લ્ડ સિરીઝમાં બેટથી કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
વરસાદને કારણે મેચ રોકવી પડી હતી
ઈન્ડિયા લિજેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સની સેમિફાઈનલ વરસાદને કારણે રોકવી પડી હતી. 17 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 વિકેટે 136 રન હતો. કેમરૂન વ્હાઇટ 6 અને બ્રેડ હેડિન 1 રન બનાવીને રમી રહ્યા હતા. જો કે વરસાદ બાદ પણ મેચ રદ્દ કરવામાં આવી ન હતી. મેચ ફરીથી ગુરુવારે એટલે કે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. ભારત તરફથી અભિમન્યુ મિથુન અને યુસુફ પઠાણે 2-2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચોઃ