UGC NET 2026 ની અંગ્રેજી, વાણિજ્ય (કોમર્સ) અને સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષાઓ ફરીથી લેવામાં આવશે.
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
પેપરમાં તથ્યો અને અનુવાદની અનેક ભૂલો હોવાને કારણે NTA ની કમિટીએ લીધો ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય; જાણો ક્યારે લેવાશે પરીક્ષા અને શું છે નવી તારીખો.

- UGC NET 2026: અંગ્રેજી, વાણિજ્ય, સમાજશાસ્ત્ર વિષયની ફરી પરીક્ષા લેવાશે.
- પેપરોમાં તથ્યો, ટાઈપિંગ અને અનુવાદની અસંખ્ય ભૂલો હતી.
- આ વિષયોની નવી પરીક્ષા 9 અને 10 સપ્ટેમ્બરે લેવાશે.
- ઉમેદવારો પાસેથી કોઈ વધારાની ફી નહીં લેવાય, પરિણામ સમયસર.
UGC NET 2026 re exam dates: UGC NET 2026 ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક બહુ મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા અંગ્રેજી, વાણિજ્ય (કોમર્સ) અને સમાજશાસ્ત્ર એમ કુલ 3 વિષયોની પરીક્ષા ફરીથી લેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય પાછળનું કારણ એ છે કે આ ત્રણેય પેપર અંગે NTA ને ઘણી ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને NTA એ એક તપાસ સમિતિની રચના કરી હતી. આ કમિટીની તપાસમાં જાણવા મળ્યું કે આ 3 વિષયોના પેપરમાં તથ્યો, ટાઇપિંગ અને અનુવાદ (ભાષાંતર) ને લગતી અસંખ્ય ભૂલો હતી. આ રિપોર્ટના આધારે જ NTA એ આ ત્રણેય વિષયોની પુનઃપરીક્ષા (ફરીથી પરીક્ષા) લેવાનું નક્કી કર્યું છે.
જાણો કયા વિષયની પરીક્ષા ક્યારે લેવાશે?
હવે આ ત્રણ વિષયોની પરીક્ષા ક્યારે લેવાશે તેનું નવું ટાઈમટેબલ નીચે મુજબ છે:
અંગ્રેજી: 9 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી (શિફ્ટ 1) લેવાશે.
કોમર્સ (વાણિજ્ય): 9 સપ્ટેમ્બરે જ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી (શિફ્ટ 2) લેવાશે.
સમાજશાસ્ત્ર: 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી (શિફ્ટ 1) માં પરીક્ષા લેવામાં આવશે.
સૌથી રાહતની વાત એ છે કે આ 3 વિષયોના ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટે કોઈ જ નવી ફી વસૂલવામાં નહીં આવે. આ સિવાય અન્ય 84 વિષયોના પરિણામો તેમના અગાઉથી નક્કી કરેલા સમયપત્રક મુજબ જ જાહેર કરવામાં આવશે, એટલે કે આ ફરીથી લેવાનારી પરીક્ષાને કારણે બાકીના પરિણામોમાં કોઈ જ વિલંબ નહીં થાય. NTA એ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે આ પરીક્ષા ફરીથી લેવાઈ રહી છે છતાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને PhD ની પાત્રતા માટે વિષયવાર ફાળવવામાં આવતી બેઠકોમાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં.
આ 3 વિષયોની આન્સર કી જાહેર કેમ નહોતી થઈ?
તમને જણાવી દઈએ કે, આ 3 વિષયો માટેની પ્રોવિઝનલ આન્સર કી (Answer Key) જાહેર કરવામાં આવી ન હતી. આ આન્સર કીની લોકો કાગડોળે રાહ જોતા હતા, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં પણ અસંખ્ય ભૂલો હોવાને કારણે તેને જાહેર કરવાને બદલે સીધી પરીક્ષા જ ફરીથી લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી.
અગાઉ UGC-NET જૂન 2026 ની પરીક્ષા 22 થી 30 જૂન દરમિયાન યોજાઈ હતી. જેમાં 24 જૂને કોમર્સ, 25 જૂને અંગ્રેજી અને 30 જૂને સમાજશાસ્ત્રનું પેપર લેવાયું હતું. રવિવારે NTA એ બાકીના 84 વિષયોની પ્રોવિઝનલ આન્સર કી પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દીધી છે. જૂન સત્રમાં હાજર રહેલા ઉમેદવારો વેબસાઇટ પર જઈને આન્સર કી અને પોતાના જવાબો ચકાસી શકે છે. એજન્સીએ 24 ઓગસ્ટથી 18 ઓગસ્ટ, 2026 સુધી રાત્રે 11:59 વાગ્યા સુધી આન્સર કીને પડકારવાની (ચેલેન્જ કરવાની) ઓનલાઈન સુવિધા પણ ઉમેદવારો માટે ખુલ્લી મૂકી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI
Frequently Asked Questions
UGC NET 2026 ની કઈ પરીક્ષાઓ ફરીથી લેવાશે?
આ પરીક્ષાઓ ફરીથી શા માટે લેવાઈ રહી છે?
પેપરમાં તથ્યો, ટાઇપિંગ અને અનુવાદ સંબંધિત ભૂલો હોવાની ફરિયાદોને કારણે NTA એ તપાસ કરી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
ફરીથી લેવાનાર પરીક્ષાઓ ક્યારે યોજાશે?
અંગ્રેજી અને વાણિજ્યની પરીક્ષા 9 સપ્ટેમ્બરના રોજ લેવાશે. સમાજશાસ્ત્રની પરીક્ષા 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
શું ફરીથી પરીક્ષા આપવા માટે કોઈ વધારાની ફી લાગશે?
ના, આ 3 વિષયોના ઉમેદવારો પાસેથી ફરીથી પરીક્ષા આપવા માટે કોઈ નવી ફી વસૂલવામાં આવશે નહીં.






















