Opinion: માંસાહારની તુલનામાં શાકાહાર ભોજન વધારે સારુ કેમ?
સદ્ગુરુ: તમે કેવા પ્રકારનો ખોરાક ખાઓ છો તે તમે તેના વિશે શું વિચારો છો તેના પર કે તમારા મૂલ્યો અને નૈતિકતા પર આધારિત ન હોવું જોઈએ. પણ શરીરને શું જોઈએ છે તેના પર આધારિત હોવું જોઈએ. ખોરાક શરીર વિશે છે. જ્યારે ખોરાકની વાત આવે છે, ત્યારે તમારા ડોકટરો કે તમારા ન્યુટ્રીશન એક્સપર્ટને પૂછશો નહીં કેમ કે આ લોકો દર પાંચ વર્ષે તેમના અભિપ્રાય બદલતા રહે છે. જ્યારે ખોરાકની વાત આવે છે, ત્યારે શરીરને પૂછો કે કયા પ્રકારના ખોરાકથી તે ખરેખર ખુશ છે.
અલગ-અલગ ખોરાક અજમાવો અને જુઓ કે ખોરાક ખાધા પછી તમારું શરીર કેવું અનુભવે છે. જો તમારું શરીર ખૂબ જ ચપળ, ઊર્જાવાન અને સરસ લાગે છે, તો તેનો અર્થ એ કે શરીર ખુશ છે. જો શરીર સુસ્તી અનુભવે છે અને જાગતા જો તમે તમારા શરીરને સાંભળો છો, તો તમારું શરીર તમને સ્પષ્ટપણે કહેશે કે તે કયા પ્રકારના ખોરાકથી ખુશ છે. પણ અત્યારે તમે તમારા મનની વાત સાંભળી રહ્યા છો. તમારું મન હંમેશા તમારી સાથે ખોટું બોલે છે. શું તે તમારી સાથે પહેલાં ખોટું બોલ્યું નથી? આજે તે તમને કહે છે કે જે છે તે આ જ છે. આવતીકાલે તે તમને ગઈકાલે તમે જે માનતા હતા તેના માટે મૂર્ખ હોવા જેવો અનુભવ કરાવે છે. એટલે તમારા મન મુજબ ન ચાલશો. તમારે બસ તમારા શરીરને સાંભળવાનું શીખવું પડશે.
તમારામાં પ્રવેશતા ખોરાકની ગુણવત્તાના સંદર્ભમાં, ચોક્કસપણે શાકાહારી ખોરાક સિસ્ટમ માટે માંસાહારી ખોરાક કરતાં વધુ સારો છે. આપણે તેને નૈતિક દૃષ્ટિકોણથી નથી જોઈ રહ્યા. આપણે બસ એ જ જોઈ રહ્યા છીએ કે સિસ્ટમ માટે શું યોગ્ય છે - આપણે એવો ખોરાક ખાવાનો પ્રયાસ કરીએ છીએ જે તમને શરીરમાં આરામદાયક બનાવે. જે પ્રકારના ખોરાકથી તમારું શરીર સૌથી વધુ સહજ અને આરામદાયક અનુભવે અને પોષણ મેળવવા માટે સંઘર્ષ ન કરે, તે પ્રકારનો ખોરાક આપણે ખાવો જોઈએ.
જરા પ્રયોગ કરો અને જુઓ, જ્યારે તમે શાકાહારી ખોરાકને તેના જીવંત સ્વરૂપમાં ખાશો, ત્યારે તેનાથી કેટલો ફરક પડશે. હેતુ એ છે કે શક્ય તેટલો જીવંત ખોરાક ખાવો - જે પણ તેની જીવંતતામાં ખાઈ શકાય. જીવંત કોષમાં જીવન ટકાવી રાખવા માટે બધું જ હોય છે. જ્યારે આપણે ખોરાક રાંધીએ છીએ, ત્યારે તે તેમાં રહેલા જીવનનો નાશ કરે છે. તેના વિનાશની પ્રક્રિયા પછી ખોરાક ખાવાથી સિસ્ટમને જીવન ઊર્જાની સમાન માત્રા મળતી નથી. પણ જ્યારે તમે જીવંત ખોરાક ખાઓ છો, ત્યારે તે તમારામાં જીવંતતાનું એક અલગ સ્તર લાવે છે. જો તમે ઓછામાં ઓછો ત્રીસથી ચાલીસ ટકા જીવંત ખોરાક ખાઓ છો - જે હજુ જીવંત છે તે - તો તમે જોશો કે, તે તમારી અંદરના જીવનને પણ સારી રીતે ટકાવી રાખશે.
સૌથી મહત્ત્વનું કે તમે જે ખોરાક ખાઓ છો તે જીવન છે. તે જીવનના બીજા સ્વરૂપો છે જે આપણે ખાઈએ છીએ. જીવનના અન્ય સ્વરૂપો આપણા જીવનને ટકાવી રાખવા માટે તેમના જીવનનો ત્યાગ કરે છે. જો આપણે આપણા જીવનને ટકાવી રાખવા માટે તેમના જીવનનો ત્યાગ કરનાર તમામ જીવંત વસ્તુઓ માટે ખૂબ કૃતજ્ઞતા સાથે ખાઈ શકીએ, તો ખોરાક તમારી અંદર ખૂબ જ અલગ રીતે વર્તે છે.
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર "પદ્મ વિભૂષણ" આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ - માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
[ઉપર આપેલા મંતવ્યો લેખકના અંગત વિચાર છે. જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે માત્ર લેખક જ જવાબદાર છે.]