Infosys lays off : દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે અનેક લોકોને નોકરીમાંથી હાંકી કાઢ્યા, જણાવ્યું આ કારણ
દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે 300 થી વધુ નવા લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા છે. તેઓને ફ્રેશર તરીકે રાખવામાં આવ્યા હતા.

દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે 300 થી વધુ નવા લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા છે. તેઓને ફ્રેશર તરીકે રાખવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કર્મચારીઓએ કંપનીના મૈસુર કેમ્પસમાં પ્રારંભિક તાલીમ લીધી હતી. પરંતુ ત્રણ પ્રયાસો બાદ પણ તે ઇન્ટરનલ ટેસ્ટ પાસ કરી શક્યા નહોતા. જોકે, IT કર્મચારી યુનિયન NITESએ જણાવ્યું હતું કે આ પગલાથી પ્રભાવિત નવા કર્મચારીઓની સંખ્યા ઘણી વધારે છે. યુનિયને શ્રમ અને રોજગાર મંત્રાલયને તાત્કાલિક હસ્તક્ષેપ અને કંપની સામે કડક કાર્યવાહીની માંગણી સાથે સત્તાવાર ફરિયાદ કરવાની ધમકી આપી છે.
કરારમાં આ વાત લખેલી હતી
આ સંદર્ભે મોકલવામાં આવેલા ઈ-મેલના જવાબમાં બેંગલુરુ-મુખ્યમથક ધરાવતી IT સર્વિસ કંપનીએ જણાવ્યું હતું કે, "Infosys માં અમારી ભરતી પ્રક્રયા ખૂબ જ સખ્ત છે, જેમાં તમામ નવા કર્મચારીઓએ અમારા મૈસુર કેમ્પસમાં પાયાની તાલીમ પછી ઈન્ટરનલ ટેસ્ટમાં પાસ થવાની અપેક્ષા હોય છે." કંપનીએ જણાવ્યું હતું કે તમામ નવા કર્મચારીઓને મૂલ્યાંકનમાં સફળ થવાની ત્રણ તકો મળે છે, જે નિષ્ફળ થવાથી તેઓ સંસ્થામાં રહી શકશે નહીં. કંપનીએ કહ્યું કે આ નિયમ ‘તેમના કરારમાં પણ ઉલ્લેખિત છે.’
2 વર્ષની રાહ જોયા બાદ નિમણૂક કરવામાં આવી હતી
ઇન્ફોસિસે કહ્યું, "આ પ્રક્રિયા બે દાયકાથી વધુ સમયથી અસ્તિત્વમાં છે અને અમારા ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની પ્રતિભાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે," ઘટનાક્રમ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે, પ્રભાવિત નવા લોકોની સંખ્યા 300થી થોડી વધારે છે. આ દરમિયાન, નવીન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઇઝ સેનેટ (NITES) એ દાવો કર્યો હતો કે આ સંખ્યા ઘણી વધારે છે અને અસરગ્રસ્ત નવા કર્મચારીઓને થોડા મહિના પહેલા જ ઓક્ટોબર, 2024 માં કંપનીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, "આ કર્મચારીઓએ તેમના 'ઓફર લેટર્સ' પ્રાપ્ત કર્યા પછી પહેલેથી જ બે વર્ષની લાંબી પ્રતીક્ષા કરવી પડી હતી, અને NITES અને પ્રભાવિત ઉમેદવારોના સતત પ્રયત્નો બાદ જ તેમનું જોડાવું શક્ય બન્યું. "
આ રીતે રાજીનામું અપાવ્યું
NITES નો આરોપ છે કે કર્મચારીઓને મૈસુર કેમ્પસના મીટિંગ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા અને 'મ્યૂચ્યૂઅલ સેપરેસન' પત્રો પર સહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. NITESએ કહ્યું, "પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NITES શ્રમ અને રોજગાર મંત્રાલયને સત્તાવાર ફરિયાદ નોંધાવી રહી છે, જેમાં તાત્કાલિક હસ્તક્ષેપ અને ઇન્ફોસિસ સામે કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે."





















