Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
ડાંગના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

- ડાંગ-વલસાડમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ.
- સાપુતારા ધુમ્મસભર્યું બન્યું, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા.
- વલસાડમાં વરસાદથી ખેડૂતો અને લોકોને રાહત મળી.
- ચાર સિસ્ટમ સક્રિય, સાત દિવસ વરસાદની આગાહી રાજ્યમાં.
Dang Rain: ડાંગ અને વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, જ્યારે વલસાડ પંથકમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ડાંગમાં ધુમ્મસની ચાદર અને પ્રવાસીઓ
ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ સાપુતારા, વઘઈ અને સુબીર પંથકમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. જ્યારે વડુમથક આહવાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણને કારણે સાપુતારા સહિતના પર્વતીય વિસ્તારોમાં ધુમ્મસની ઘેરી ચાદર છવાઈ ગઈ હતી. ડાંગનું પ્રકૃતિ સૌંદર્ય સોળે કળાએ ખિલી ઉઠતાં આ રમણીય દ્રશ્યો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
બીજી તરફ, વલસાડ શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. વલસાડ શહેરના આઝાદ ચોક, તિથલ રોડ, હાલર રોડ, ભાગડાવાડા અને નાનકવાડા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડતાં રોડ-રસ્તા ભીંજાયા હતા. ગરમી અને બફારા વચ્ચે વરસાદી પવનો ફૂંકાતાં લોકોને રાહત મળી હતી.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ સર્જાતાં અને વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. લાંબા સમયના વિરામ બાદ પડેલા આ વરસાદથી પાકને નવું જીવન મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી
એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ રાજ્ય પર મોનસૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમની અસરથી આગામી સાત દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને સમયાંતરે ધીમીધારે કે હળવો વરસાદ પડી શકે છે. ચોમાસાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ચાલુ મોસમમાં 1 જૂનથી લઈને 21 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 20 ઈંચથી વધુ સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સીઝનના કુલ સરેરાશ વરસાદની સરખામણીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં હજુ પણ 4 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ નવી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં આ ઘટ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















