દિવાળી વેકેશનમાં સારંગપુર જવાના છો? કષ્ટભંજન દેવ ધર્મશાળાના ઓનલાઈન બુકિંગથી ચેતજો! સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી
Sarangpur Dharamshala scam: આ ફેક વેબસાઇટ ધર્મશાળાના ઓનલાઈન બુકિંગ માટેની સુવિધા આપે છે. વેબસાઇટ ખોલતા જ ધર્મશાળાના રૂમ જેવા ફોટોગ્રાફ્સ દેખાય છે અને તેની નીચે બુકિંગ બટન હોય છે.

Sarangpur Dharamshala scam: દિવાળીના તહેવારો અને શાળાઓના વેકેશન નજીક આવતાં, પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ સારંગપુર મંદિરે દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વની ચેતવણી છે. ધર્મશાળાના ઓનલાઈન બુકિંગના નામે ભક્તોને છેતરતી એક ફેક વેબસાઇટ ઇન્ટરનેટ પર સક્રિય હોવાનું નવસારી સાયબર ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું છે. આ વેબસાઇટ દ્વારા ઓનલાઈન પેમેન્ટ મેળવ્યા પછી પણ ન તો રૂમ આપવામાં આવે છે, ન તો પૈસા પાછા મળે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સારંગપુર મંદિર ટ્રસ્ટ દ્વારા ધર્મશાળાનું કોઈપણ ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી. નવસારી સાયબર ક્રાઇમે ભક્તોને આવી ફેક વેબસાઇટથી સાવચેત રહેવા અને કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા તેની ખરાઈ કરવા અપીલ કરી છે.
ભેજાબાજોની નવી મોડસ ઓપરેન્ડી: ફેક બુકિંગ વેબસાઇટ
તહેવારોની સીઝન શરૂ થતાં જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને આવતા હોય છે. આ ભીડનો ફાયદો ઉઠાવવા માટે સાયબર ઠગ્સના ભેજાબાજોએ એક નવું કૌભાંડ શરૂ કર્યું હતું. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે sarangpurtrustdharmashala.co.in નામની એક શંકાસ્પદ વેબસાઈટ શોધી કાઢી છે, જે સારંગપુર મંદિર ટ્રસ્ટના નામનો દુરુપયોગ કરી રહી હતી.
આ ફેક વેબસાઇટ ધર્મશાળાના ઓનલાઈન બુકિંગ માટેની સુવિધા આપે છે. વેબસાઇટ ખોલતા જ ધર્મશાળાના રૂમ જેવા ફોટોગ્રાફ્સ દેખાય છે અને તેની નીચે બુકિંગ બટન હોય છે. જોકે, કમ્પ્યુટર કે લેપટોપ પર બુકિંગ બટન કામ કરતું નથી. પરંતુ, જ્યારે મોબાઈલ ફોનમાં આ સાઇટ ખોલવામાં આવે અને બુકિંગ બટન પર ક્લિક કરવામાં આવે, ત્યારે તરત જ એક મોબાઈલ નંબર સ્ક્રીન પર દેખાય છે.
ઓનલાઈન પેમેન્ટથી છેતરપિંડીની રીત
આ મોબાઈલ નંબર પર ફોન કરતાં, વાત કરનાર વ્યક્તિ પોતે ધર્મશાળાના રિસેપ્શનિસ્ટ હોય તેવો ડોળ કરે છે. ત્યારબાદ તે QR કોડ કે અન્ય મોબાઇલ નંબર દ્વારા ઓનલાઈન બુકિંગના નામે ભક્તો પાસેથી પેમેન્ટ સ્વીકારે છે. જોકે, અહીંયા પેમેન્ટ થતાંની સાથે જ ભક્ત છેતરાઈ જાય છે. કારણ કે આ વેબસાઇટ સંપૂર્ણપણે નકલી (Fake) છે. શ્રદ્ધાળુઓને બુકિંગ પ્રમાણે રૂમ મળતો નથી અને તેમના પૈસા પણ પરત મળતા નથી.
નવસારી સાયબર ક્રાઈમની ટીમે ઝીણવટપૂર્વક તપાસ કરીને આ ફેક વેબસાઇટને શોધી કાઢી છે, જેથી મોટા પાયે થઈ રહેલી ઓનલાઈન છેતરપિંડીને અટકાવી શકાય.
ટ્રસ્ટની સ્પષ્ટતા અને ભક્તો માટે સલામતીની અપીલ
તમામ ભક્તોએ ખાસ નોંધ લેવી જોઈએ કે સારંગપુર મંદિરની સત્તાવાર (Official) વેબસાઇટ પર શરૂઆતમાં જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ધર્મશાળાનું કોઈપણ બુકિંગ ઓનલાઈન થતું નથી. આ સૂચના છતાં, લોકો ફેક વેબસાઇટના નામે છેતરાઈ રહ્યા છે.
નવસારી સાયબર ક્રાઈમ પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈપણ ઓનલાઈન ખરીદી કે આર્થિક વ્યવહાર કરતા પહેલા નીચેની બાબતોની ચકાસણી કરવી હિતાવહ છે:
- વેબસાઇટની આધિકારિકતા (Official Status) ચકાસવી.
- વેબસાઇટના URL (લિંક)માં સ્પેલિંગ (Spelling) અને ગ્રામર (Grammar)ની ભૂલો તપાસવી.
- તાર્કિક રીતે વેબસાઇટની વિશ્વસનીયતાની ચકાસણી કર્યા પછી જ આર્થિક વ્યવહાર કરવો.





















