Gujarat Election 2022: ડીસામાં 80 વર્ષીય દર્દીએ આ રીતે કર્યું વોટિંગ, પૂરી પાડી અનોખી મિસાલ
Gujarat Election 2022: ડીસામાં વેન્ટિલેટર ઉપર રહેલા 80 વર્ષીય દર્દી તીરથભાઈ ખત્રીએ મતદાન કરવાની જીદ કરતા તેમને એમ્બ્યુલન્સમાં મતદાન કેન્દ્ર ઉપર લાવવામાં આવ્યા હતા.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન બનાસકાંઠાના ડીસામાં એક દર્દીએ મતદાન કરીને અનોખી મિસાલ પૂરી પાડી હતી.
ડીસામાં વેન્ટિલેટર ઉપર રહેલા 80 વર્ષીય દર્દી તીરથભાઈ ખત્રીએ મતદાન કરવાની જીદ કરતા તેમને એમ્બ્યુલન્સમાં મતદાન કેન્દ્ર ઉપર લાવવામાં આવ્યા હતા. ડોકટરની ટીમ સહિત મેડિકલ સ્ટાફ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીએ મતદાન કરી અનોખી મિશાલ પુરી પાડી હતી.
નડિયાદમાં યુવકે પગથી મતદાન કરતાં કર્મચારીઓ પણ રહી ગયા દિગમૂઢ
નડિયાદમાં દિવ્યાંગ યુવક અંકિત સોનીએ પગથી મતદાન કર્યુ હતું. 25 વર્ષ પહેલા અંકિત સોનીને કરંટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા. આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ evm માં પગથી મતદાન કરતા હાજર કર્મચારીઓમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજે અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.
ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદારે વોટિંગ કરી લલકાર્યું ગીત
ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદારએ વોટીંગ કર્યું. સિંગર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે. દર વર્ષે ઇલેક્શનમાં એશ્વર્યા મુંબઈથી મતદાન કરવા માટે આવે છે. તેણે મતદારોને અપીલ કરતાં ગીત ગાયું હતું.
જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ પર લગાવ્યો આરોપ
અમદાવાદના નરોડામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ મતદાન કર્યું. જે બાદ તેમણે ચૂંટણી પંચ પર આરોપ લગાવતાં કહ્યું, ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે, ભાજપના ગુંડાઓ અને લુખ્ખા તત્વો કામ કરે છે, દાંતાના ઉમેદવારની ત્રણ કલાક સુધી ભાળ ન મળે, ચૂંટણી પંચ અમારા ફરિયાદ નથી લઇ રહ્યું, અનેક જગ્યાએ ઇવીએમ મશીન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી.
પાટણમાં મતદાન મથક બહાર ભાજપ, કોંગ્રેસના કાર્યકરોમાં રકઝક
પાટણમાં મતદાન મથક બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રકઝક થઈ છે. પાટણના રતનપોળ વિસ્તારમાં આવેલ ગુમડા મસ્જિદ સ્કૂલના મતદાન બુથ બહાર એજન્ટના મામલે રકજક થઈ છે. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરી સાથે ઘર્ષણ થયું હોવાની વાત સામે આવી છે. બોલાચાલીને પગલે થોડીવાર માટે વાતાવરણ તંગ થઈ ગયું હતું.