રાજ્યમાં આ તારીખથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી, સોયાબીન, મગ, મગફળી ખરીદશે સરકાર
ગુજરાત સરકાર રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે

ગુજરાત સરકાર રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. મગફળીની ટેકાના ભાવે ખરીદી નવ નવેમ્બરથી શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. તેમણે આર્થિક સહાય માટે ખેડૂતોની પડખે ઉભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 5, 2025
રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત…
ગુજરાત સરકાર સોયાબીન, મગ, અળદની ટેકાના ભાવે 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકાર કરે છે. મગફળી માટે 9 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેટલી મગફળી ખરીદાશે તે અંગે પણ સરકાર આજે નિર્ણય જાહેર કરી શકે છે. સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી.
આ સંદર્ભમાં કૃષિ વિભાગ સહિત રાજ્ય સરકારના અન્ય વિભાગોએ સંકલન કરીને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે શરૂ કરી દીધો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4,800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામે પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાન અંગેની જાણકારી મેળવી હતી અને ખેડૂતોની આપવીતી સાંભળી હતી. તાજેતરના આ કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000 થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે.





















