હવામાન વિભાગે ૨૧ ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ૧૬ ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે.
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશભરમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર અને રાજસ્થાન પર સર્ક્યુલેશનના કારણે 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

- ૬ સક્રિય સિસ્ટમથી ૨૧ ઓગસ્ટ સુધી મધ્યમ વરસાદની આગાહી.
- ૧૬ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, યલો એલર્ટ જારી.
- રાજ્યમાં ૭૩.૮૬% સિઝનલ વરસાદ; ડેમ ૬૫.૫૫% ભરાયા.
- ૮૪ હજાર લોકોનું સ્થળાંતર; માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી.
Gujarat rain forecast August 2026: જો તમે આગામી દિવસોમાં ક્યાંય પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો હવામાન વિભાગની આ નવીનતમ આગાહી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં દેશભરમાં એકસાથે 6 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશન અને આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં બનવા જઈ રહેલા નવા લો-પ્રેશરને કારણે, હવામાન વિભાગે ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ખાસ કરીને 16 ઓગસ્ટના રોજ રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ અને નર્મદા સહિતના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ, ભારે વરસાદની આશંકાને પગલે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જ્યારે 17 થી 21 ઓગસ્ટ સુધી મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.
દેશના એકંદર વરસાદી માહોલ પર નજર કરીએ તો, દક્ષિણ-પૂર્વ ઝારખંડ પર સર્જાયેલું લો-પ્રેશર અને તેને સંલગ્ન સાયક્લોનિક સરક્યુલેશન દરિયાઈ સપાટીથી 4.5 કિ.મી.ની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. આ ઉપરાંત, મોન્સૂન ટ્રફ (વરસાદી ધરી) ફિરોઝપુર, રોહતક અને ઝારખંડના લો-પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. નીચલા સ્તરેથી ફૂંકાઈ રહેલા પશ્ચિમી પવનો અને બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા નવા સરક્યુલેશનને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જામશે.
ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 671.34 મિ.મી. એટલે કે સિઝનનો કુલ 73.86% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રદેશવાર જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 100.67%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.59%, ઉત્તર ગુજરાતમાં 55.94% અને સૌરાષ્ટ્રમાં 55.45% વરસાદ થયો છે. નોંધનીય છે કે, રાજ્યના કુલ 233 માંથી 36 તાલુકાઓ એવા છે જ્યાં 1000 મિ.મી. કરતા પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં જોખમી અને નીચાણવાળા વિસ્તારોમાંથી 84,318 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ નવસારી, વલસાડ અને સુરતમાંથી લોકોને બચાવવામાં આવ્યા હતા. આ રાહત અને બચાવ કામગીરીને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં NDRF ની 12 ટુકડીઓ અને SDRF ની 30 પ્લાટૂન સતત તૈનાત રાખવામાં આવી છે.
સારા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પણ નવા નીરની જંગી આવક થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 87.59% જેટલો ભરાઈ ગયો છે, જ્યારે અન્ય 206 ડેમોમાં 65.55% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 27 ડેમ સંપૂર્ણપણે છલોછલ થતાં 40 ડેમને 'હાઈ એલર્ટ', 6 ને 'એલર્ટ' અને 12 ને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. દરમિયાન, દરિયામાં ભારે કરંટ અને પવનની સંભાવનાને જોતા હવામાન વિભાગે માછીમારોને 15 થી 17 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે.
Frequently Asked Questions
ગુજરાતમાં ક્યાં સુધી વરસાદની આગાહી છે?
ગુજરાતમાં વરસાદની હાલની સિસ્ટમ પાછળ કયા કારણો જવાબદાર છે?
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. ઉપરાંત, બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનવા જઈ રહ્યું છે, જે વરસાદનું કારણ બનશે.
કયા જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે?
ભારે વરસાદની સંભાવનાને કારણે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.
ચાલુ ચોમાસામાં ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાયો છે?
ચાલુ ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ ૬૭૧.૩૪ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ ૭૩.૮૬% જેટલો છે.






















