Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત્ રહેવાની આગાહી છે.

- આજે મહિસાગર, પંચમહાલ, દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ.
- પાંચ સિસ્ટમ સક્રિય, આવતીકાલે પણ ભારે વરસાદની શક્યતા છે.
- રાજ્યમાં સરેરાશ 71% થી વધુ વરસાદ, ઝોનલ તફાવત નોંધાયો.
ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત્ રહેવાની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આજે મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે 3 જિલ્લામાં અતિભારે વરસાદનું અનુમાન
આજે મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદ
આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે સ્થાનિક સ્તરે પાણી ભરાવા અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી સર્જાવાની શક્યતા છે.
એક સાથે પાંચ સિસ્ટમ સક્રીય
ગુજરાતમાં એક સાથે પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ દરમિયાન દરિયામાં હવામાન ખરાબ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ અમદાવાદમાં હાલમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 71 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનના સરેરાશ કરતાં આશરે 2 ટકા વધુ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
સરેરાશ 70.60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 70.60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે, પરંતુ અલગ-અલગ ઝોનમાં વરસાદનું પ્રમાણ અલગ-અલગ નોંધાયું છે. અત્યાર સુધીના આંકડા મુજબ દક્ષિણ ગુજરાત ઝોનમાં સીઝનનો સૌથી વધુ 97.36 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જે લગભગ 100 ટકાની નજીક પહોંચી ગયો છે. તેની સરખામણીએ કચ્છ ઝોનમાં સરેરાશ માત્ર 29.05 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જેથી ત્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.





















