Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
હવાામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે.

- બનાસકાંઠા જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો હતો.
- બિસ્માર રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.
- દિયોદર, હડાદમાં વરસાદથી ખેડૂતો ખુશ, હળવા વરસાદની આગાહી.
પાલનપુર: હવાામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલનપુરના અલગ-અલગ વિસ્તારો ભારે વરસાદના કારણે જળબંબાકાર થયા હતા. આઈટીઆઈથી વડગામને જોડતા રસ્તાની સૌથી દયનિય હાલત જોવા મળી. અડધા ટુ-વ્હિલર ડુબી જાય તેટલા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મૂકાયા હતા.
પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બિસ્માર રસ્તા અને મસમોટા ખાડાની સાથે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રસ્તાના તત્કાલિક સમારકામ કરવાની વાહન ચાલકો પ્રશાસન સમક્ષ માગ કરી રહ્યા છે. જૂના બસ સ્ટેશનમાં પણ બે-બે ફુટ સુધીના વરસાદી પાણી ભરાતા મુસાફરો પરેશન થયા હતા.
ભારે વરસાદથી રસ્તાઓ પર ઘુંટણસમા પાણી
વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મુસાફરોને વરસાદી પાણીમાં અટવાયેલા જોવા મળ્યા. વારંવારની રજૂઆત છતા પણ વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા ન થતા મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો. પાલનપુર-દાંતા-વડગામ-અંબાજીને જોડતા માર્ગ પર ભારે વરસાદથી રસ્તાઓ પર ઘુંટણસમા પાણી ભરાતા અંબાજી જતા પદયાત્રીઓ અટવાયા હતા. રામપુરા-સદરપુર હાઈવે રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો.
દાંતામાં ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય
દિયોદર પંથકમાં પણ છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ વરસતા મગફળી, બાજરી, જુવાર અને મકાઈ સહિતના કૃષિ પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. આ તરફ હડાદ પંથકમાં પણ મેઘમહેર થઈ હતી. હડાદની સાથે મંડાલી, સનાલી, ઘાગડીયા, ભાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી કીડી-મંકોડી નદીમાં નવા નીરની આવક થઈ હતી.વરસાદી માહોલ વચ્ચે દાંતામાં ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય. પહાડોએ વાદળોની ચાદર ઓઢી લીધી હોય તેવા કુદરતી દ્રશ્યો સર્જાયા. પહાડો પર વાદળોની ચાદર છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.
એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્ન્સના કારણે વરસાદ વરસશે. અમદાવાદમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- Ahmedabad Rain: અમદાવાદમાં જળબંબાકાર, રસ્તાઓ બન્યા બેટ,જુઓ મેઘતાંડવની તસવીરો
દાહોદ અને છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. જ્યારે મહિસાગર, પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ડીપ ટ્રફ સક્રિય હોવાથી આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જોકે, હાલમાં ડીપ ટ્રફ લેશમાર્ક થતા હવે ભારે વરસાદની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં સામાન્ય કરતા 8 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી છે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીમાં 23 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
Before You Go
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત






















