માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
ખેડા જિલ્લાના માતર વિસ્તારના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા

ખેડા જિલ્લાના માતર વિસ્તારના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેતા કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. છેલ્લા ઘણા સમયથી કેસરીસિંહ કૉંગ્રેસ સાથે મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં આંદોલન ચલાવી રહ્યા છે. એટલુ જ નહીં, ગઈકાલે માતર તાલુકા અને લીંબાસીમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને સોશલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી. પક્ષ વિરોધ કામગીરી કરવા બદલ આખરે પ્રદેશ ભાજપે કેસરીસિંહને તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે. સત્તાવાર રીતે ભાજપે તેમને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા.
સોલંકી પર ઘણા સમયથી વિવિધ સ્તરે પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ લાગતો રહ્યો હતો. ખાસ કરીને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં કોંગ્રેસના નેતાઓ સાથે મળીને તેમણે જે રીતે વિરોધના મંચ પર દેખાવ કર્યો હતો, એ પાર્ટી માટે અત્યંત ગંભીર માનવામાં આવ્યો હતો. મહેસૂલથી લઈને મંડળી સુધી અનેક નીતિગત બાબતોમાં પાર્ટી લાઈનમાં ન રહીને સોલંકી સતત વિરોધ કરી રહ્યા હતા. ગઈકાલે તેમણે માતર તાલુકા અને લીંબાસી વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ મુદ્દે સોશિયલ મીડિયામાં લાઈવ આવીને સ્થાનિક તંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કેસરીસિંહ વારંવાર કરવામાં આવતી પક્ષ વિરોધી કામગીરીને લઈને પક્ષના જ માતરના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ પ્રશ્નો ઉભા કર્યા હતા. જેને લઈને ખેડા જિલ્લા પ્રમુખ નયનાબહેન પટેલ દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા અને સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેસરીસિંહ સોલંકી દ્વારા ખેડા આણંદ જિલ્લામાં અમુલ ડેરીને લઈને તથા અમૂલ ડેરીના ચેરમેન અને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક વિશે અનેક આક્ષેપો અને ગંભીર આરોપો મૂકી આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું હતું.





















