LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગાંધીનગર: લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ લિસ્ટ જાહેર થતાની સાથે જ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો તેમનું નામ અને મેરિટ સ્ટેટસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈને જોઈ શકે છે.
3 ડિસેમ્બર સુધીમાં સેલ્ફ ડિક્લેરેશન સબમિટ કરવાનું
ઉમેદવારોએ 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન (Self Declaration) સબમિટ કરવાનું રહેશે. ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને Self Declaration Form ઓનલાઈન ભરવાનું રહેશે અને ત્યારબાદ તેની PDF ફાઈલ અપલોડ કરવાની રહેશે.
OTP વેરિફિકેશન વગર પ્રક્રિયા અધૂરી ગણાશે. બોર્ડે કહ્યું છે કે માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી કામ પૂરું થતું નથી PDF ફાઈલ અપલોડ કર્યા બાદ ઉમેદવારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા OTP દ્વારા વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. OTP વેરિફિકેશન બાદ જ આ પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.
પોલીસ વિભાગમાં 14,507 જગ્યાઓ પર થશે ભરતી
રાજ્યના પોલીસ વિભાગમાં આગામી સમયમાં 14,507 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે. આ જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનોમાં નવો ઉત્સાહ છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં જ્યાં એક તરફ 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવિષ્ય માટે એક મોટી ભેટ આપી હતી.
નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના યુવાધનને સંબોધતા એક મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે, આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસમાં કુલ 14,507 નવી ભરતીઓ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) જેવી મહત્વની કેડરનો સમાવેશ થશે. પોલીસમાં જોડાવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે અને મંત્રીએ આડકતરી રીતે યુવાનોને અત્યારથી જ મેદાનમાં ઉતરીને તૈયારી શરૂ કરી દેવાનો સંકેત આપ્યો છે.





















