Gujarat Rain Update: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં ચાર ઈંચ વરસ્યો
Gujarat Rain Update: હવામાન વિભાગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. બનાસકાઠામાં 4 ઇંચ વરસાદ વરસ્યો

Gujarat Rain Update:હવામાન વિભાગે આગામી 24 કલાક છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટછવાયો મધ્યમથી હળવો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. આ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દાંતામાં બે કલાકમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો પાલનપુરમાં 2 કલાકમાં 2.09 ઈંચ વરસાદ પડ્યો છે. લાખણીમાં 2 કલાકમાં 1.38 ઈંચ,
ધાનેરામાં 2 કલાકમાં 1.06 ઈંચ,વડગામમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી દાંતા-પાલનપુરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલનપુર હાઈવે પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાલનપુર ગઠામણ પાટીયા પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
પાટણમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલે જમાવટ કરી છે. પાટણ શહેરમાં વહેલી સવારથી ધીમી ઘારે વરસાદ વરસ્યો છે. પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં બફારા અને ઉકડાટથી રહાત મળી છે. પાટણ- અનાવાડા-રૂની- મતરવાડી સહીત ગ્રામ્ય વિસ્તાર માં ધીમી ઘારે ખેતીના પાક માટે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહર છવાઇ ગઇ છે.
અમદાવાદમાં પણ મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતું અને મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના નિકોલ,નરોડા, વેજલપુર, બોપલ, સેલા, ઇસ્કોન સહિતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા ગરમી બફારો અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ હતી જો કે ગત મોડી રાત્રે ધનઘોર વાદળો વચ્ચે વરસાદી ઝાપટું આવતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને ગરમી અને ઉકળાટ બફારાથી રાહત મળી હતી.
સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદે વિરામ બાદ એન્ટ્રી કરતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. હિંમતનગર સહિત ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વરસતા વરસાદની રાહ જોતા ખેડૂતોએ રાહત અનુભવી છે.





















