લવ જેહાદને રોકવા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા બિલ વિધાનસભામાં પાસ, જાણો કેટલા વર્ષની અને દંડની જોગવાઈ છે
ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદો પસાર થયો છે.
વિધાનસભા ગૃહમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બહુમતીથી પસાર થયું. બિલ પાસ થયા પહેલા જ ગૃહમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે લાંબી ચર્ચા થઈ. આ સુધારા વિધેયકને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ ઈમરાન ખેડાવાલાએ ગૃહમાં દિલીગીરી વ્યક્ત કરતાં કહ્યું મારા સમાજને ટાર્ગેટ બનાવવામાં આવતો હતો જે યોગ્ય ન હતું.
ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદો પસાર થયો છે. સમાજના વિવિધ અગ્રણીય સંસ્થાઓ દ્વારા મળેલી ફરિયાદોના આધારે સુધારા વિધેયક રજૂ કરાયું હતું. હવે રાજ્યમાં હિન્દુ સહિતની દીકરીઓ સલામતીની લાગણી અનુભવશે. લવજેહાદ સામે લડવા અમે વર્ષોથી કાર્ય કરી રહ્યા છીએ. હાથે નાડાછડી અને કપાળે ટીલક કરી દીકરીઓ સાથે છળકપટ કરે છે. આજે થતું ધર્માંતરણ આવતી કાલનું રાષ્ટ્રાંતરણ છે. હવે કોઈ લગ્ન કરે કે કરાવડાવે તો 5 વર્ષની સજા અને રૂ. 2 લાખનો દંડ કરાશે.
તો બિલ પાસ થતા જ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં દીકરીઓ હવે સલામતીની લાગણી અનુભવશે. પહેલા ગાયોને બચાવવા સરકાર કાયદો લાવી તો હવે દીકરીઓને બચાવવા રાજ્ય સરકાર કાયદો લાવી છે. વધુમાં કહ્યું કે બિલમાં ક્યાંય હિંદૂ- મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ત્યારે કૉંગ્રેસને મતબેંક ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે એટલે જ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021નો વિરોધ કરી રહ્યા છે.
આ વિધેયકમાં 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ છે.
ગુજરાત વિધાનસભામા વર્ષ 2003ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમા સુધારા વિધેયક રજૂ કરતા પ્રદીપસિંહ જાડેજા એક કલાક કરતા વધારે સમય બોલ્યા હતા. આવા કાયદાઓ વિશ્વના બીજા દેશો અને ભારતના કેટલાક રાજ્યોમા અસ્તિત્વ ધરાવતા હોવાનુ પણ તેમણે કહ્યુ છે.