Delhi Air Pollution: દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ લાલઘુમ, કહ્યું- જરૂર પડે તો લોકડાઉન લગાવી દો
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફક્ત ખેડુતોને જ જવાબદાર ઠેરવી શકાય નહીં કે જેઓ પરાળ બાળે છે.
Delhi Air Pollution: દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ ગંભીર મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આપણે ઘરે પણ માસ્ક પહેરવું પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે તેણે પ્રદૂષણનો સામનો કરવા માટે શું પગલાં લીધાં છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવા પર પણ વિચાર કરવો જોઈએ.
પરાળ બાળવા માટે માત્ર ખેડૂતોને જ જવાબદાર ન ઠેરવી શકાયઃ સુપ્રીમ કોર્ટ
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફક્ત ખેડુતોને જ જવાબદાર ઠેરવી શકાય નહીં કે જેઓ પરાળ બાળે છે. 70 ટકા પ્રદૂષણનું કારણ ધૂળ, ફટાકડા, વાહનો વગેરે છે, જેને નિયંત્રિત કરવું જોઈએ. અમને જણાવો કે 500 પર પહોંચ્યા પછી AQI કેવી રીતે ઘટશે.
આપણે માસ્ક પહેરવું પડશે - સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન, જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "નાના બાળકો માટે શાળા પણ ખુલી છે, તેમને કેવું કેવું ભોગવવુંપડી રહ્યું છે." મુખ્ય ન્યાયાધીશ રમનાએ કેન્દ્રને કહ્યું કે, મહેરબાની કરીને ઇમરજન્સી બેઠક બોલાવો અને ઝડપથી કોઈ પગલા લો. અમે કંઈક એવું કરવા ઈચ્છીએ છીએ જેથી 2-3 દિવસમાં પરિસ્થિતિ સુધરે. આ એક સળગતી સમસ્યા છે અને આપણે માસ્ક પહેરવા પડશે.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ખેડુતોને પરાળ માટે સજા આપવાને બદલે તમે તેમને પ્રોત્સાહિત કરવાની વાત કેમ નથી કરતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર મદદ કેમ નથી કરતી? પાકના અવશેષોથી ઘણા આર્થિક લાભ થઈ શકે છે. ખેડૂતે આગામી પાક માટે જમીન તૈયાર કરવાની હોય છે. તેને મદદ કરવી જોઈએ. અમે સુનાવણી સોમવાર સુધી સ્થગિત કરી રહ્યા છીએ.