વધુ એક રાજ્યની હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જતાં 4 દર્દીના મોત
મૃતકોના પરિવારજનોએ ઘણા સમય સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોતનું અસલી કારણ છુપાવવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે કેટલાક લોકોને હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.
જમ્મુઃ જમ્મુની જાણીતી બત્રા હોસ્પિટલમાં આજે ઓક્સિજનનો પુરવઠો અચાનક બંધ થવાથી ચાર દર્દીના મોત થયા હતા. આ હોસ્પિટલમાં કોરોના દર્દીની સાથે અન્ય દર્દીઓની પણ સારવાર ચાલતી હતી. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે ઓક્સિજન સપ્લાઇ રોકવાથી વેન્ટિલેટર પર રહેલા 4 દર્દીના મોત થયા હતા. જે બાદ ગુસ્સે ભરાયેલા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો.
મૃતકોના પરિવારજનોએ ઘણા સમય સુધી હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોતનું અસલી કારણ છુપાવવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે કેટલાક લોકોને હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. બત્રા હોસ્પિટલ જમ્મુની મોટી અને જાણીતી હોસ્પિટલ છે. જમ્મુ-કાશ્મીરમાં રોજના 3000થી વધારે કોરોના કેસ હાલના દિવસોમાં નોંધાઈ રહ્યા છે. કોરોના પર કાબુ મેળવવા તંત્ર દ્વારા ગુરુવારથી કોરોના કર્ફ્યૂ નાંખવામાં આવ્યો છે.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા.
એક્ટિવ કેસ 32 લાખને પાર
આ પહેલા સતત આઠ દિવસ સુધી ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા. આજે સતત ચોથા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 32 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3523 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 91 લાખ 64 હજાર 969
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 56 લાખ 84 હજાર 406
- કુલ એક્ટિવ કેસ - 32 લાખ 68 હજાર 710
- કુલ મોત - 2 લાખ 11 હજાર 853