LPGના આ ગ્રાહકો માટે 1 ઓક્ટોબર પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું ફરજિયાત
સબસિડીવાળા LPG માટે 1 ઓક્ટોબર પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે. આધાર વેરિફિકેશન નહીં કરાવનારા ગ્રાહકોએ ઉંચી કિંમત ચૂકવવી પડશે. સબસિડીવાળો બાટલો યોગ્ય પરિવાર સુધી પહોંચે તે નિશ્ચિત કરવા કાર્યવાહી ફરજિયાત કરવામાં આવી છે.

1 ઓક્ટોબરથી ઘરેલુ LPG ગ્રાહકો માટે સબસિડીનો લાભ મેળવવા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA) કરાવવું ફરજિયાત થઈ જશે. જો કોઈ ગ્રાહક પોતાના કનેક્શન માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન નહીં કરાવે તો 1 ઓક્ટોબરથી કરવામાં આવનારી નવી LPG બુકિંગ પર સબસિડીનો લાભ મળશે નહીં. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે શનિવારે આ સમગ્ર મામલે માહિતી શેર કરી છે.
બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન શા માટે જરૂરી છે?
બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનથી એ સુનિશ્ચિત થાય છે કે સબસિડીવાળો LPG સિલિન્ડર માત્ર પાત્ર પરિવારો સુધી જ પહોંચે. દરેક કનેક્શનને આધાર-પ્રમાણિત ગ્રાહક સાથે જોડવાથી સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરના કોમર્શિયલ અને ઔદ્યોગિક ઉપયોગ માટે થતા ડાયવર્ઝનને રોકવામાં મદદ મળે છે.
આ ઉપરાંત ડુપ્લિકેટ અને અયોગ્ય કનેક્શનને દૂર કરવામાં પણ મદદ મળે છે અને સબસિડી પહોંચાડવાની પ્રક્રિયા વધુ પારદર્શક તથા યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે છે. આ પ્રક્રિયાનો હેતુ કોઈપણ વાસ્તવિક અને પાત્ર પરિવારને LPGથી વંચિત રાખવાનો નથી. દરેક પાત્ર ગ્રાહક આ પ્રક્રિયા અનેક સરળ રીતે પૂર્ણ કરી શકે છે.
ઓક્ટોબરથી શું બદલાશે?
જે ગ્રાહકોએ પહેલેથી જ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લીધું છે, તેમને ફરીથી આ પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં. તેમને પહેલાંની જેમ જ LPG સિલિન્ડર મળતા રહેશે.
જે ગ્રાહકોએ હજુ સુધી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યું નથી, તેમના માટે વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સબસિડી સાથે રિફિલ બુકિંગ શરૂ થઈ જશે.
આ પણ વાંચો: Gold Price Today: સોના અને ચાંદી બંને ધાતુની ફરી વધી ચમક, કિંમતમાં ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત
બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કેવી રીતે કરવું?
રિફિલ ડિલિવરી દરમિયાન: ડિલિવરી કરનાર વ્યક્તિ OMC મોબાઇલ એપનો ઉપયોગ કરીને સ્થળ પર જ ઓથેન્ટિકેશન પૂર્ણ કરી શકે છે.
ડિસ્ટ્રિબ્યુટરના કાર્યાલયમાં: ગ્રાહકો પોતાના LPG ડિસ્ટ્રિબ્યુટર પાસે જઈને ત્યાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરી શકે છે.
કંપનીની મોબાઇલ એપ પર: ગ્રાહકો ઘરે બેઠા પોતાની LPG ડિસ્ટ્રિબ્યુટર કંપનીની મોબાઇલ એપ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
- ઇન્ડેન ગ્રાહકો માટે IndianOil ONE App
- ભારત ગેસ ગ્રાહકો માટે HelloBPCL App
- HP ગેસ ગ્રાહકો માટે HP PAY App
પોતે જ e-KYC પૂર્ણ કરવા અંગેનું વીડિયો ટ્યુટોરિયલ PMUY પોર્ટલ પર ઉપલબ્ધ છે.
89.9 ટકા ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યું
19 સપ્ટેમ્બર 2026 સુધીમાં 27.43 કરોડ સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લીધું છે, જે કુલ 89.9 ટકા કવરેજ છે.
ગ્રાહકોને અગાઉ 30 જૂન 2026 સુધીમાં બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ગ્રાહકોને વધુ સમય આપવા માટે સમયમર્યાદા ઘણી વખત વધારવામાં આવી હતી. આ સમયમર્યાદા 31 જુલાઈ, 7 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 23 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 7 સપ્ટેમ્બર અને અંતે 14 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી હતી.
BAA પૂર્ણ કરવા માટે ઓક્ટોબર 2023થી અભિયાન
ઓક્ટોબર 2023થી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા દેશવ્યાપી આઉટરીચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ SMS અને WhatsApp મેસેજ મોકલવામાં આવ્યા છે.
ડિસ્ટ્રિબ્યુટર અને ડિલિવરી કર્મચારીઓએ હજુ સુધી ઓથેન્ટિકેશન ન કરાવનારા ગ્રાહકોનો વ્યક્તિગત રીતે સંપર્ક પણ કર્યો છે. ડિસ્ટ્રિબ્યુટરની દુકાનો, વધુ લોકોની અવરજવરવાળા સ્થળો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Before You Go
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા





















