(Source: ECI/ABP News/ABP Majha)
પ્રધાનમંત્રી મોદી આજે કરશે પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓ અને વાલીઓના પરીક્ષાલક્ષી પ્રશ્નો અંગે સંવાદ કરશે
પીએમ મોદી આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સંવાદ કરશે અને પરીક્ષાને લગતા પ્રશ્નોના સવાલ-જવાબ કરશે.
Pariksha Pe Charcha: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષાલક્ષી માર્ગદર્શનના કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'ના 5મા એડિશનમાં સંબોધન કરશે. પીએમ મોદી આ પરીક્ષા પે ચર્ચા 2022 કાર્યક્રમમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સંવાદ કરશે અને પરીક્ષાને લગતા પ્રશ્નોના સવાલ-જવાબ કરશે.
નવી દિલ્લીના તાલકટોરા સ્ટેડીયમ ખાતે યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં આજે સવારે 11 વાગ્યે શરુ થશે. ઉલ્લેખનિય છે કે, પરીક્ષા પે ચર્ચા 2022 કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહે છે અને પરીક્ષા અંગેના પ્રશ્નો વિશે પ્રધાનમંત્રી મોદી પાસેથી માર્ગદર્શન મેળવે છે. તાલકટોરા સ્ટેડીયમમાં યોજાનારા આ વર્ષનો કાર્યક્રમ ટાઉનહોલ સંવાદના માળખા મુજબ યોજાશે.
પરીક્ષાનું ટેંશન અને તણાવઃ
છેલ્લા 5 વર્ષથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદી દ્વારા યોજવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં જોવા મળતા ટેંશન અને તણાવને દૂર કરવાનો છે. કોઈ પણ ડર રાખ્યા વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે જેથી તેઓ સારું પરિણામ મેળવી શકે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી વિદ્યાર્થીઓના પરીક્ષાને લગતા પ્રશ્નો સાંભળે છે અને તેમને જવાબ આપે છે. આ સાથે જ પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી અને ડરના રાખીને શાંતિથી પરીક્ષા લખવાની શીખ પણ આપે છે. પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓના વાલીઓને પણ તેમના બાળકોની કઈ રીતે કાળજી લેવી તેનું માર્ગદર્શન પણ આપે છે.
ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમ અંગેની માહિતી પણ આપી હતી. તેમણે લખ્યું હતું કે, "આ વર્ષના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વિશે લાખો લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માનું છું જેઓએ આ અભિયાનમાં ભાગ લીધો."