Himachal Next CM: કોણ બનશે હિમાચલના નવા મુખ્યમંત્રી ? પ્રતિભા સિંહ સિવાય કૉંગ્રેસના આ નેતાઓની પણ દાવેદારી મજબૂત
હિમાચલ પ્રદેશમાં સીએમ પદને લઈને કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ આ રેસમાં આગળ હતા
Himachal Government Formation: હિમાચલ પ્રદેશમાં સીએમ પદને લઈને કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ આ રેસમાં આગળ હતા. જો કે હવે સુખવિંદર સિંહ સુખુ સૌથી આગળ જણાવવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે તેમને મોટી સંખ્યામાં ધારાસભ્યોનું સમર્થન છે. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ ટૂંક સમયમાં શિમલામાં શરૂ થવા જઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિભા સિંહ અને વિક્રમાદિત્ય સિંહને કહેવામાં આવ્યું છે કે તેઓ નેતૃત્વ પર દબાણ લાવવા માટે નિવેદનો કરવાથી બચે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ રાજીવ શુક્લા, ભૂપેન્દ્ર હુડ્ડા, ભૂપેશ બઘેલ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ તજિન્દર પાલ સિંહ બિટ્ટુ હિમાચલના રાજ્યપાલને મળ્યા છે.
સુખવિન્દર સિંહ સુખુને પણ ટોચના નેતૃત્વનો વિશ્વાસ પ્રાપ્ત છે, પરંતુ નિરીક્ષકો તેમને મળી રહેલા સમર્થનનું મૂલ્યાંકન કરશે. સુત્રોનું કહેવું છે કે સુખુની તરફેણમાં નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના છે. સૂત્રોનું કહેવું છે કે જો સુખુની આસપાસ સર્વસંમતિ રચાય છે તો સીએમ પદના અન્ય ઉમેદવાર મુકેશ અગ્નિહોત્રી પણ તેમને સમર્થન આપી શકે છે.
કોંગ્રેસના નેતા સુખવિંદર સિંહ સુખુએ શુક્રવારે (9 ડિસેમ્બર) કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પસંદ કરાયેલ ધારાસભ્ય હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે. હાઈકમાન્ડ જે ઈચ્છશે તે થશે. તેમણે કહ્યું કે દરેક પત્રકારે મને પહેલા તે વ્યક્તિ વિશે પૂછ્યું છે કે જેના નેતૃત્વમાં અમે ચૂંટણી લડીશું. મેં કહ્યું કે તે સામૂહિક નેતૃત્વ હેઠળ થશે, વિચારધારા સર્વોચ્ચ છે અને પોસ્ટ પછી આવે છે. અમારી પાસે મુખ્ય પ્રધાન હશે અને હાઈકમાન્ડ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડેલા લોકોમાંથી મુખ્ય પ્રધાન પસંદ કરશે.
પૂર્વ પ્રદેશ પ્રમુખ સુખવિંદર સિંહ સુખુ રાજ્યના પ્રભાવશાળી ઠાકુર સમુદાયના છે. આ વખતે તેમને પ્રચાર સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. સુખુને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પસંદગી પણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રાજા વીરભદ્ર સાથે તેમના મતભેદ હતા અને આવી સ્થિતિમાં પ્રતિભા સિંહ તેમના રાજ્યાભિષેકનો વિરોધ કરી શકે છે. હમીરપુર જિલ્લાની નાદૌન બેઠક પરથી ચૂંટણી જીતીને સુખુ ચોથી વખત ધારાસભ્ય બન્યા છે.