Saurashtra Rain: જસદણમાં દોઢ ઈંચ વરસાદથી કપાસ અને સોયાબીનને મળી સંજીવની, મગફળીના પાથરા પલળ્યા
Saurashtra Rain Update: અમરેલીના રાજુલા શહેર સહિત વડ, છતડીયા, કડિયાળી અને હિંડોરણા ગામોમાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા

- સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી માહોલ જામ્યો, ખેડૂતો આનંદિત થયા.
- અમરેલી, બોટાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી પાકને ફાયદો.
- ઉપાડેલા મગફળીના પાથરા પલળતા ખેડૂતોને નુકસાનીનો ભય.
Saurashtra Rain Update: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. આજે અમરેલી, બોટાદ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ વરસતા એકબાજુ ખેડૂતોમાં આનંદીત થયા છે, તો બીજીબાજુ મગફળીના પાથરા પલળતા ચિંતા પણ ઉભી થઇ છે.
સૌરાષ્ટ્ર પંથકમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર પધરામણી કરીને અમરેલી, બોટાદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વિવિધ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોને મોડી રાત્રે તથા દિવસ દરમિયાન ગાજવીજ સાથે ભીંજવી દીધા છે. વીજળીના કડાકાભડાકા અને પવન સાથે ધોધમાર વરસેલા આ વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીનના પાકને મોટું નવજીવન મળતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.
અમરેલીના રાજુલા શહેર સહિત વડ, છતડીયા, કડિયાળી અને હિંડોરણા ગામોમાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા. બોટાદ જિલ્લાના અવેડાગેટ, હીરા બજાર, મંગળપરા, કલેકટર કચેરી, ખસ રોડ અને ભાવનગર રોડ જેવા શહેરી ભાગો ઉપરાંત બરવાળા તાલુકાના સમઢીયાળા, સેંથળી અને ઢાંકણીયા ગામોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. રાજકોટના જસદણ તાલુકામાં સરેરાશ દોઢ ઈંચ ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ભાવનગરના મહુવા તાલુકાના વડલી, વાઘનગર અને ભૂતેશ્વર ગામોમાં, ગીર સોમનાથના ગીર ગઢડા શહેર સહિત ધોકડવા, સનોસરા, નવા ઉગલા, મહોબત પરા અને ખિલાવડ ગામોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. આ સિવાય જૂનાગઢ શહેરમાં એક દિવસના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ જામ્યો હતો.
આ સમયસરના વરસાદથી કપાસ અને સોયાબીન જેવા મોલાતને સીધો ફાયદો થશે અને વિરામ બાદ ખેડૂતોની ચિંતા દૂર થઈ છે. જોકે, રાજકોટના જસદણ પંથકમાં કેટલાક ઠેકાણે ખેતરોમાં ઉપાડેલી મગફળીના પાથરા વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતોને આંશિક નુકસાનીનો ભય પણ સતાવી રહ્યો છે.
Before You Go
અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!





















