Monsoon Update: દેશમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? IMDએ જણાવી તારીખ
આ વખતે ચોમાસાની સિઝનમાં દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો રહ્યો છે. જુલાઈના અંત સુધીમાં રાષ્ટ્રીય સ્તરે વરસાદની ઘટ 13 ટકા રહી હતી. મહિનાના અંતે આ ઘટ વધીને 14 ટકા થઈ હતી

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાની વિદાય 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનથી શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય લગભગ 17 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. પરંતુ આ વર્ષે સામાન્ય તારીખ કરતાં લગભગ બે દિવસ મોડેથી ચોમાસાની વિદાય શરૂ થવાની શક્યતા છે.
જોકે, ચોમાસું સંપૂર્ણ રીતે વિદાય લે તે પહેલાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. બીજી તરફ, કેટલાક રાજ્યોમાં હવે વરસાદની શક્યતા ઓછી રહેવાની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ
આ વખતે ચોમાસાની સિઝનમાં દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો રહ્યો છે. 13 સપ્ટેમ્બર સુધી દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 15 ટકા ઓછો રહ્યો હતો. જૂનમાં સ્થિતિ વધુ ખરાબ હતી, જ્યારે દેશમાં વરસાદની ઘટ 40 ટકા સુધી પહોંચી ગઈ હતી.
જુલાઈમાં વ્યાપક વરસાદ થતાં આ ઘટમાં ઘણી હદ સુધી ઘટાડો થયો હતો. જુલાઈના અંત સુધીમાં વરસાદની ઘટ 13 ટકા રહી હતી. ઓગસ્ટના અંતે તે 14 ટકા હતી, જે 13 સપ્ટેમ્બર સુધીમાં ફરી વધીને 15 ટકા થઈ ગઈ.
જૂનની શરૂઆતથી જ બગડ્યું વરસાદનું ગણિત
આ વર્ષે ચોમાસાની શરૂઆત જ નબળી રહી હતી. જૂનમાં દેશમાં સામાન્ય કરતાં 40 ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો હતો. તેના કારણે ખરીફ પાકની વાવણી અને શરૂઆતની કૃષિ પ્રવૃત્તિઓ પર અસર પડી હતી.
જુલાઈમાં ચોમાસું સક્રિય થયું અને વ્યાપક વરસાદને કારણે સ્થિતિમાં ઝડપથી સુધારો થયો. જુલાઈના અંત સુધીમાં રાષ્ટ્રીય સ્તરે વરસાદની ઘટ 13 ટકા રહી હતી. ત્યારબાદ ઓગસ્ટના અંતે આ ઘટ 14 ટકા થઈ અને સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં પૂરતો વરસાદ ન થતાં તે 15 ટકા થઈ ગઈ.
અલ નીનોએ પણ વધારી મુશ્કેલી
IMD અનુસાર, આ ચોમાસા પર મજબૂત બની રહેલા અલ નીનોની પણ અસર પડી છે. અલ નીનોની સ્થિતિ સામાન્ય રીતે ભારતમાં ચોમાસાના વરસાદને નબળો પાડતી માનવામાં આવે છે. જોકે, તેની અસર સમગ્ર દેશમાં એકસરખી રહેતી નથી.
IMDએ 31 ઓગસ્ટે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરી હતી. વિભાગના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA)ના 91 ટકાથી ઓછો રહી શકે છે.
19 સપ્ટેમ્બરથી કેમ શરૂ થશે ચોમાસાની વિદાય?
ચોમાસાની વિદાય માત્ર કેલેન્ડરની તારીખના આધારે જાહેર કરવામાં આવતી નથી. IMD આ માટે અનેક હવામાન સંબંધિત પરિસ્થિતિઓને ધ્યાનમાં લે છે.
IMD અનુસાર, પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 19 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની આ પરિસ્થિતિઓ અનુકૂળ બની શકે છે. તેથી 19 સપ્ટેમ્બરને ચોમાસાની સંપૂર્ણ વિદાયની તારીખ માનવી જોઈએ નહીં. આ માત્ર ચોમાસાની પરત ફરવાની પ્રક્રિયા શરૂ થવાનો સંકેત હશે.
ચોમાસાની વિદાય પહેલાં કયા રાજ્યોમાં પડી શકે છે વરસાદ?
ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થયા બાદ પણ આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. IMD અનુસાર, 17 સપ્ટેમ્બર વચ્ચે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વ્યાપક વરસાદની શક્યતા છે.
પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 16 અને 17 સપ્ટેમ્બરે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. રાજસ્થાનના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં 15થી 17 સપ્ટેમ્બર વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં 18 સપ્ટેમ્બર સુધી કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં શું રહેશે સ્થિતિ?
દક્ષિણ ભારતમાં પણ વરસાદ સંપૂર્ણપણે બંધ થવાનો નથી. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 20 સપ્ટેમ્બર સુધી કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
કેરળ અને માહેમાં 16 સપ્ટેમ્બર સુધી, જ્યારે દક્ષિણ કર્ણાટકમાં 15 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 18થી 20 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડી શકે છે. મધ્ય ભારતમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં 20 સપ્ટેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ 20 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહી શકે છે. ગુજરાતમાં પણ 22 સપ્ટેમ્બર સુધી છૂટછવાયો વરસાદ વરસી શકે છે.
આ રાજ્યોમાં વરસાદની વધુ ઘટ
આ ચોમાસાની સૌથી મોટી બાબત માત્ર વરસાદ ઓછો પડ્યો તે નથી, પરંતુ દેશના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું વિતરણ પણ ખૂબ અસમાન રહ્યું છે. 13 સપ્ટેમ્બર સુધી દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં વરસાદની ઘટ લગભગ 28 ટકા હતી. કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધુ ગંભીર રહી છે. IMDના આંકડા અનુસાર, મેઘાલયમાં વરસાદની ઘટ 59 ટકા, આંધ્ર પ્રદેશમાં 43 ટકા, અરુણાચલ પ્રદેશમાં 42 ટકા, પંજાબમાં 40 ટકા અને બિહારમાં 35 ટકા રહી છે.આ ઉપરાંત કર્ણાટકમાં 29 ટકા, કેરળમાં 27 ટકા, તમિલનાડુમાં 26 ટકા, રાજસ્થાનમાં 25 ટકા, હરિયાણામાં 23 ટકા અને તેલંગાણામાં 20 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. તો ગુજરાતમાં સિઝનના વરસાદની ધટ્ટ12થી 13 ટકા છે.
Before You Go
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ






















