કોલંબોઃ શ્રીલંકામાં આર્થિક સ્થિતિ કથળી રહી છે. શ્રીલંકા પોલીસે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા 45 લોકોની ધરપકડ કરી છે. આ તમામ શ્રીલંકાના રાષ્ટ્રપતિના ઘરની બહાર તેમના રાજીનામાની માંગ સાથે એકઠા થયા હતા, ત્યારબાદ પોલીસે 45 લોકોની ધરપકડ કરી હતી. કોલંબો શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. દેશમાં આર્થિક સંકટ છે અને લોકો તેના માટે રાષ્ટ્રપતિને જવાબદાર માને છે. શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇંધણ, રાંધણ ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે.
સરકારનો વિરોધ કરી રહેલા 45 લોકોની ધરપકડ
શ્રીલંકામાં લોકો પેટ્રોલ અને ડીઝલની અછત તેમજ પાવર કટનો સામનો કરી રહ્યા છે. સામાન્ય જનતા રોજના 13 કલાક વીજકાપનો સામનો કરી રહી છે. ગુરુવારે દેખાવકારોએ રાજપક્ષે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ દરમિયાન પાંચ પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
પ્રદર્શન હિંસક બનતા અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા જ્યારે એક બસ, એક જીપ અને બે મોટરસાઈકલને સળગાવી દેવામાં આવી હતી.