Ind vs Eng: એરોન ફિંચને પછાડી કોહલીએ ટી20માં કેપ્ટન તરીકે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ અત્યાર સુધી ટી20માં 1463 રન બનાવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને પાછળ છોડી દીધો છે. કેપ્ટન તરીકે ફિંચે 1462 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનના નામે 1383 રન છે.
અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચની ટી20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે શાનદાર બેટિંગ કરતા ઈંગ્લેન્ડને 225 રનનો ટાર્ગેટ આપ્યો. રોહિત શર્મા અને કોહલીએ ઈનિંગની શાનદાર શરુઆત કરી હતી.
કેએલ રાહુલને આજે ટીમમાં સામેલ ન કરાતા રોહિત શર્મા અને કોહલી ઓપનિંગ માટે આવ્યા હતા. કોહલીએ તોફાની બેટિંગ કરતા 52 બોલમાં અણનમ 80 રન બનાવ્યા હતા. તેની સાથે જ તેણે ટી20 મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ અત્યાર સુધી 1463 રન બનાવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને પાછળ છોડી દીધો છે. કેપ્ટન તરીકે ફિંચે 1462 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનના નામે 1383 રન છે.
ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટી20 મેચમાં કોહલી અને રોહિતે 8.6 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન રોહિતે પોતાની 22મી ફિફ્ટી નોંધાવી હતી. રોહિતે 34 બોલમાં 64 રન બનાવ્યા. તેણે તેની ઇનિંગ્સમાં 5 છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી રન બનાવવાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. કોહલીના નામે ટી20માં 3 હજારથી વધુ રન થઈ ગયા છે. આ સીરિઝમાં જ કોહલીએ ત્રણ હજાર રનનો આંકડો પાર કર્યો હતો. આ સીરિઝમાં કોહલીએ ત્રણ ફિફ્ટી મારી હતી. કોહલીએ ટી20 ઈન્ટરનેશનલમાં 28મીં અડધી સદી નોંધાવી છે. કોહલીએ આ મેચમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 80 રન બનાવ્યા હતા.
ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટી 20 સીરિઝ રોમાંચક મોડ પર છે. ચોથી ટી-20માં ભારતની જીત બાદ સીરીઝ 2-2ની બરોબરી પર છે. આ સ્થિતિમાં બંને ટીમની નજર ફાઇનલ જીતીને સીરીઝને પોતાના નામે કરવા પર છે.