IND vs WI 2nd ODI: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે, ડેબ્યૂ કરી શકે છે આ સ્ટાર પ્લેયર
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને શુક્રવારે વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી નહોતી પરંતુ રવિવારે તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની આજે બીજી મેચ રમાશે. શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે ત્રણ રનથી જીતી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાનાર બીજી મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા માંગશે. ભારતીય ટીમે 2006 પછી વિન્ડીઝ સામે એક પણ વનડે શ્રેણી હારી નથી.
ધવન-શ્રેયસ-ગિલ ફોર્મમાં
પ્રથમ વનડે મેચમાં શિખર ધવન અને શુભમન ગીલે સદીની ભાગીદારી કરીને ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ધવન માત્ર ત્રણ રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. જ્યારે શુભમન ગિલે 64 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ત્રીજા ક્રમ પર બેટિંગ કરવા આવેલા શ્રેયસે પણ 54 રન બનાવીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. આ ત્રણેય ખેલાડીઓ પાસેથી બીજી વનડેમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
ટીમ ઈન્ડિયા પ્રથમ વનડે મેચમાં એક સમયે 350 રન ફટકારશે તેવું લાગતુ હતુ પરંતુ મિડલ ઓર્ડરના ખરાબ પ્રદર્શનના કારણે ટીમને 308 રનથી સંતોષ માનવો પડ્યો હતો. મિડલ ઓર્ડરમાં સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા જેવા ખેલાડીઓ તકનો લાભ ઉઠાવી શક્યા નહોતા.
અક્ષર પટેલને ઈજા થઈ હતી
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હોવાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. આ ઈજાના કારણે જાડેજા બીજી વનડેમાંથી પણ બહાર થઈ ગયો છે. જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી, પરંતુ તે સારુ પ્રદર્શન કરી શક્યો નહીં અને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અક્ષર પટેલે મેદાન છોડવું પડ્યું હતું, તેથી તે રમવા માટે ફિટ છે કે નહીં તે જોવાનું રહેશે.
અર્શદીપ સિંહ ડેબ્યૂ કરશે?
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને શુક્રવારે વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી નહોતી પરંતુ રવિવારે તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પ્રથમ વનડેમાં શાનદાર બોલિંગ કરી હતી. પરંતુ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર જેવા બોલરો મોંઘા સાબિત થયા હતા. આવી સ્થિતિમાંયોર્કર બોલિંગ કરવામાં માહેર અર્શદીપ બીજી વનડે મેચમાં ડેબ્યૂ કરી શકે છે.
બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ મેચમાં શાનદાર રમત બતાવીને ભારતને ટક્કર આપી હતી. કાયલ મેયર્સ, શમરાહ બ્રૂક્સ અને બ્રાન્ડન કિંગે શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઓલરાઉન્ડર જેસન હોલ્ડર કોવિડ-19 પોઝિટિવ હોવાને કારણે પ્રથમ વનડે રમ્યો ન હતો. તેના બીજી મેચમાંથી પણ બહાર થવાની સંભાવના છે.