(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2023: શોએબ અખ્તરની મોટી ભવિષ્યવાણી, કહ્યું- ભારત-પાક વચ્ચે રમાશે ફાઈનલ
આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતની ધરતી પર રમાશે. અગાઉ 2011માં વર્લ્ડ કપનું આયોજન પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું હતું.
Shoaib Akhtar On World Cup 2023: આ વર્ષે ODI વર્લ્ડ કપ ભારતની ધરતી પર રમાશે. અગાઉ 2011માં વર્લ્ડ કપનું આયોજન પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું હતું. જો કે ભારત ODI વર્લ્ડ કપ 2023ની યજમાની કરવા માટે તૈયાર છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા શોએબ અખ્તરે એક મોટી ભવિષ્યવાણી કરી છે. શોએબ અખ્તરનું માનવું છે કે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળશે.
'ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે'
રાવલપિંડી એક્સપ્રેસ અનુસાર, ભારત અને પાકિસ્તાનની ટીમો ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં આમને-સામને થશે. શોએબ અખ્તરે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે ODI વર્લ્ડ કપ 2011ની સેમીફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, હવે અમે વર્લ્ડ કપમાં ભારતને હરાવીને વર્ષ 2011નો બદલો લેવા માંગીએ છીએ. જો કે, એ જોવું રસપ્રદ રહેશે કે શું ભારત અને પાકિસ્તાનની ટીમો ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ખરેખર સામ-સામે હશે કે નહીં? પરંતુ શોએબ અખ્તરની આગાહી બાદ ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
ભારતીય ઓપનરે અખ્તરને જવાબ આપ્યો
પૂર્વ પાકિસ્તાની બોલરે વીરેન્દ્ર સેહવાગના વાળને લઈને નિવેદન આપ્યું હતું. હવે પૂર્વ ભારતીય ઓપનરે અખ્તરને જવાબ આપ્યો છે. સેહવાગે યુટ્યુબ શો 'બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ'માં અખ્તરના નિવેદનનો જવાબ આપ્યો હતો. શોમાં સેહવાગને પૂછવામાં આવ્યું હતું કે તમારી અને શોએબ અખ્તર વચ્ચે ચર્ચામાં થોડી મિત્રતા પણ છે? તો તેણે કહ્યું કે જ્યાં પ્રેમ છે ત્યાં મોજ-મસ્તી પણ છે. હું 2003-04માં શોએબ અખ્તર સાથે ગાઢ મિત્ર બની ગયો હતો. અમે ત્યાં બે વાર ગયા છીએ અને તે બે વાર અહીં આવ્યો છે. અમે મિત્રો છીએ એકબીજાની મજાક કરતા રહીએ છીએ.