શોધખોળ કરો
કબડ્ડી વર્લ્ડકપ 2016: ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને અને થાઈલેંડે પોલેંડને આપ્યો પરાજય

અમદાવાદ: ટ્રાન્સસ્ટેડિયા એરિના ખાતે રમાતા કબડ્ડી વર્લ્ડ કપના ગ્રુપ-એની મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 69-25ના સ્કોરથી પરાજય આપ્યો હતો. આ સાથે જ વર્તમાન વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ સર્વાધિક સ્કોર નોંધાવનાર પ્રથમ ટીમ બની છે. ઇંગ્લેન્ડે પ્રથમ હાફના અંતે 35-11ના સ્કોર બનાવ્યો હતો. બીજા હાફમાં ઇંગ્લેન્ડે 34 પોઇન્ટ હાંસલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા બીજા હાફમાં 14 પોઇન્ટ મેળવી શક્યું હતું. ભારતીય મૂળના ઇંગ્લિશ ખેલાડી કેશવ ગુપ્તાએ 14 તથા સુકાની સોમેશ્વર કાલિયાએ 11 પોઇન્ટ મેળવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સબસ્ટિટ્યુટ ખેલાડી એડમ સ્નાઇડરે સર્વાધિક નવ પોઇન્ટ મેળવી હતી. વિજય સાથે ઇંગ્લેન્ડ ગ્રૂપ-એના ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે કબડ્ડીવર્લ્ડ કપના ગ્રૂપ-બીના લીગ મુકાબલામાં થાઇલેન્ડની ટીમે પોલેન્ડને 65-25થી પરાજય આપ્યો હતો. પ્રથમ હાફના અંતે થાઇલેન્ડ 36-8ના સ્કોરથી આગળ થઇ ગયું હતું. બીજા હાફમાં પણ પોલેન્ડ વળતી લડત આપી શક્યું નહોતું. થાઇલેન્ડ તરફથી ખુનાકોન ચાનજોરોઇને સર્વાધિક 15 પોઇન્ટ તથા પોલેન્ડના માચે મિચેલે પાંચ પોઇન્ટ મેળવ્યા હતા.
વધુ વાંચો






















