Wi-Fi સિગ્નલ ફુલ તેમ છતા ઈન્ટરનેટ એકદમ સ્લો? જાણો કારણ
આજના સમયમાં ઘરેથી ઓફિસનું કામ કરવાનું હોય ફ્રી ટાઇમમાં મનોરંજન માટે કોઈ વેબ સિરીઝ જોવાની હોય કે પછી Internet દ્વારા કોઈ પણ કામ કરવાનું હોય ઘરમાં લગભગ દરેક કામ Wi-Fi પર જ નિર્ભર હોય છે.

- ધીમું Wi-Fi હોય તો Speed Test, રાઉટર Restart કરો.
- બિનજરૂરી ડિવાઇસ Disconnect કરી Wi-Fi લોડ ઘટાડો.
- Dual-Band રાઉટરમાં યોગ્ય (2.4GHz/5GHz) નેટવર્ક પસંદ કરો.
આજના સમયમાં ઘરેથી ઓફિસનું કામ કરવાનું હોય ફ્રી ટાઇમમાં મનોરંજન માટે કોઈ વેબ સિરીઝ જોવાની હોય કે પછી Internet દ્વારા કોઈ પણ કામ કરવાનું હોય ઘરમાં લગભગ દરેક કામ Wi-Fi પર જ નિર્ભર હોય છે. પરંતુ ઘણી વખત Wi-Fiની સ્પીડ ધીમી પડી જાય છે. તમે કોઈ વીડિયો ચલાવતા હોય તો સ્ક્રીન પર બફરિંગ શરૂ થઈ જાય છે. સામાન્ય વેબસાઇટ ખુલવામાં પણ ઘણો સમય લાગે છે. આવી સ્થિતિમાં તમને લાગે છે કે સિગ્નલ ઓછા છે પરંતુ Phone અને Laptopમાં Wi-Fiના સિગ્નલ ફુલ દેખાય છે.
તો પછી સમસ્યા ક્યાં આવી રહી છે? હકીકતમાં, Wi-Fiમાં ફુલ સિગ્નલ દેખાવાનો અર્થ એટલો જ છે કે તમારું ડિવાઇસ રાઉટર સાથે યોગ્ય રીતે કનેક્ટ થયેલું છે. ઘરમાં Internetની સ્પીડ ધીમી થવા પાછળ બ્રોડબેન્ડ કનેક્શનની સમસ્યા, રાઉટર પર વધુ લોડ, એકસાથે અનેક ડિવાઇસનો ઉપયોગ અથવા ખોટી નેટવર્ક સેટિંગ્સ જેવા કારણો હોઈ શકે છે. આ સમસ્યાઓને તમે કોઈ એક્સપર્ટની મદદ લીધા વગર જાતે જ ઠીક કરી શકો છો.
Speed Test કરો અને રાઉટરને કરો Restart
જ્યારે ફુલ સિગ્નલ હોવા છતાં Internet ધીમું ચાલે ત્યારે સૌથી પહેલાં તમારા Phone અને Laptop પર Internet Speed Test કરો. જો Testના પરિણામમાં ડાઉનલોડ અને અપલોડ સ્પીડ તમારા બ્રોડબેન્ડ પ્લાન કરતાં ઘણી ઓછી જોવા મળે તો સમજી લો કે સમસ્યા તમારા ઘરના Wi-Fiમાં નહીં, પરંતુ Internet Service Provider એટલે કે ISP તરફથી હોઈ શકે છે. જોકે, જો ઇન્ટરનેટ કનેક્શન યોગ્ય હોય અને તેમ છતાં બ્રાઉઝરમાં પેજ લોડ થવામાં સમય લાગતો હોય તો એકવાર તમારા રાઉટરને ચેક કરો.
આપણા Phoneની જેમ રાઉટર પણ ઘણા અઠવાડિયાં સુધી સતત 24 કલાક ચાલુ રહેવાથી ધીમું પડી શકે છે અને તેમાં નાની-મોટી ટેકનિકલ ખામીઓ આવી શકે છે. આ સમસ્યાને ઠીક કરવાની સૌથી સરળ રીત એ છે કે રાઉટરનું Power Button બંધ કરો અને લગભગ 30 સેકન્ડ રાહ જોયા પછી તેને ફરીથી ચાલુ કરો. આમ કરવાથી રાઉટરની મેમરી રિફ્રેશ થશે અને ઘણી વખત Internetની સ્પીડમાં સુધારો જોવા મળી શકે છે.
Wi-Fi સાથે કનેક્ટેડ વધારાનાં ડિવાઇસનો લોડ ઓછો કરો
આજના સમયમાં લગભગ દરેક ઘરમાં એક જ રાઉટર સાથે પરિવારના સભ્યોનાં Phone, Laptop, Smart TV, Tablet અને સિક્યોરિટી કેમેરા પણ સતત કનેક્ટેડ રહે છે. જ્યારે એકસાથે આટલાં બધાં ડિવાઇસ એક જ નેટવર્ક પર સક્રિય હોય છે, ત્યારે ઉપલબ્ધ Internet બેન્ડવિડ્થનો ઉપયોગ વિવિધ ડિવાઇસ દ્વારા થાય છે. નેટવર્ક પર વધુ લોડ પડવાથી Internetની સ્પીડ અચાનક ધીમી પડી શકે છે.
આ સમસ્યા ત્યારે વધુ ગંભીર બને છે, જ્યારે કોઈ એક ડિવાઇસ પર મોટી ફાઇલ ડાઉનલોડ થઈ રહી હોય અથવા Smart TV પર 4K ક્વોલિટીમાં કોઈ મૂવી સ્ટ્રીમ કરવામાં આવી રહી હોય. આવી સ્થિતિમાં એક જ ડિવાઇસ બેન્ડવિડ્થનો મોટો હિસ્સો વાપરી શકે છે અને બાકીના Phoneમાં ફુલ સિગ્નલ દેખાવા છતાં Internet અટકી-અટકીને ચાલે છે. તેથી જ્યારે પણ તમને કોઈ જરૂરી કામ માટે ઝડપી Internetની જરૂર હોય, ત્યારે ઉપયોગમાં ન હોય તેવાં ડિવાઇસને Wi-Fiથી Disconnect કરી દો.
યોગ્ય નેટવર્ક બૅન્ડ પસંદ કરો અને Wi-Fi ફરીથી કનેક્ટ કરો
આજકાલ લગભગ દરેક ઘરમાં Dual-Band રાઉટર જોવા મળે છે. તેમાં 2.4GHz અને 5GHz નામનાં બે અલગ-અલગ Wi-Fi નેટવર્ક ઉપલબ્ધ હોય છે. જોકે, ઘણા લોકો કોઈ ખાસ ધ્યાન આપ્યા વગર કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ જાય છે. જો તમે રાઉટરવાળા રૂમમાં અથવા તેની આસપાસ બેઠા હોય અને તમને વીડિયો કૉલિંગ તથા સ્ટ્રીમિંગ માટે વધુ સ્પીડ જોઈતી હોય તો 5GHz નેટવર્ક પસંદ કરી શકો છો. આ બૅન્ડ સામાન્ય રીતે વધુ સ્પીડ આપે છે.
જોકે, 5GHz બૅન્ડની રેન્જ પ્રમાણમાં ઓછી હોય છે. તેથી જો તમે રાઉટરથી દૂર આવેલા બીજા રૂમમાં બેઠા હોય તો ત્યાં 2.4GHz નેટવર્ક પસંદ કરવું વધુ યોગ્ય રહેશે, કારણ કે તેની કવરેજ વધુ દૂર સુધી મળી શકે છે.
આ ઉપરાંત, જો ઘરના અન્ય ડિવાઇસમાં Internet યોગ્ય રીતે ચાલતું હોય અને માત્ર તમારા Phoneમાં જ સમસ્યા આવતી હોય તો Phoneની Settingsમાં જઈને Wi-Fi નેટવર્કને એકવાર Forget કરો. ત્યારબાદ ફરીથી પાસવર્ડ દાખલ કરીને નેટવર્ક સાથે કનેક્ટ થાઓ. આમ કરવાથી નેટવર્ક કનેક્શન સંબંધિત કેટલીક નાની-મોટી સમસ્યાઓ દૂર થઈ શકે છે.






















