હું તો બોલીશઃ યુનિવર્સિટીમાં પાપી કોણ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ 25 ભવનોના 88 પ્રાધ્યાપકોની ભરતીમાં વોટ્સએપના માધ્યમથી કાંડ થઈ રહ્યો હોવાનો એબીપી અસ્મિતા સહિતના માધ્યમોએ કરેલા પર્દાફાશ બાદ ન છૂટકે ભરતી રદ તો રખાઈ. પરંતુ હવે આ આખાય કાંડમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. સિંડિકેટ સભ્યોએ વ્હાલાદવલા અને સગાવાદને ધ્યાનમાં રાખીને ભલામણો કરી હોવાના તેમજ ડમીકાંડના ભૂતકાળનો આરોપી સોહિલ જેરીયાને નોકરી માટે સિંડિકેટ સભ્યએ ભલામણ કરી હોવાના પર્દાફાશ બાદ હવે યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ આ ભલામણો ખોટી થઈ હોવાનું આજે માન્યુ. જો કે ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનું કૌભાંડ ન થયુ હોવાનો દાવો કરનાર કુલપતિ પેથાણી પોતે આ વોટ્સએપ ગ્રુપમાં હોવા છતા પણ મૌન કેમ રહ્યા તે મુદ્દે યોગ્ય જવાબ આપી શકતા નથી. બીજી તરફ ખોટી ભલામણો સિંડિકેટ સભ્યોએ કરી હોવાનું માન્યા બાદ ખોટી ભલામણો કરનાર સિંડિકેટ સભ્યો સામે પગલા લેવાની રાજ્ય સરકારને વિનંતી કરાશે કે નહી તે મુદ્દે સવાલ પૂછાતા પેથાણી ગોળ ગોળ વાતો કરવા લાગે છે. વોટ્સએપથી આવેલી ભલામણોનો પર્દાફાશ થયા બાદ ભરતી પ્રક્રિયા રદ કરાઈ પરંતુ આખી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં છ લાખ રૂપિયાનું એંધાણ થઈ ચુક્યુ છે. ત્યારે તે ખર્ચો કોણ ભોગવશે તે મોટો સવાલ છે. મોટો સવાલ એ પણ છે કે ખોટા લોકોની ભલામણ કરનાર સિંડિકેટ સભ્યોની આ અનૈતિકતાને કેવી રીતે માફ કરવી. સવાલ એ પણ છે કે જો મીડિયાએ આ મુદ્દો ન ઉઠાવ્યો હોત તો ભરતી રદ ન થઈ હોત. કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી સતત અહેવાલો છપાતા હતા. પરંતુ આ જ કુલપતિ સાહેબ મૌન રહેતા હતા.



























