Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
નટરાજ સ્કૂલ, ઓઢવ-
અમદાવાદ શહેર DEO ટીમના સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન દરમિયાન ઓઢવની નટરાજ સ્કૂલમાં મોટો ભાંડાફોડ થયો છે. સ્કૂલના જીઆર અને સીટીએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓની હાજરી બોલતી હતી, પરંતુ વાસ્તવિક તપાસમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાંથી ગાયબ મળ્યા હતા. ગત વર્ષે અને ચાલુ શૈક્ષણિક સત્રમાં પણ આવી ગેરરીતિ સામે આવતા અગાઉ 11 જેટલા વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત શિક્ષકોના સેવાકીય લાભો રોકવા મુદ્દે પણ સ્કૂલ સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. DEO કચેરીએ 3 વખત નોટિસ અને સુનાવણી છતાં યોગ્ય ખુલાસો ન મળતા આખરે સ્કૂલની માન્યતા રદ કરવા અને 100% ગ્રાન્ટ કાપવા ગાંધીનગર વડી કચેરીમાં રિપોર્ટ મોકલી દેવાયો છે.
નટરાજ હાઈસ્કૂલના સંચાલકોનો ખુલાસો-
સમગ્ર વિવાદ સામે આવતા નટરાજ સ્કૂલના સંચાલકોએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સંચાલકોના જણાવ્યા મુજબ, DEO તરફથી મળેલી નોટિસનો યોગ્ય જવાબ અને વિદ્યાર્થીઓની સંખ્યાના તમામ પુરાવા સુનાવણી દરમિયાન રજૂ કરી દેવામાં આવ્યા છે. સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક તત્વો દ્વારા સ્કૂલને બદનામ કરવા માટે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
શ્યામ ઘનશ્યામ સ્કૂલ, કેશવનગર-
અમદાવાદ શહેરમાંથી શિક્ષણ વિભાગને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સરકારી નિયમોની ઐસીતૈસી કરીને મંજૂરી વગર જ આખી શાળા અન્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. કેશવનગર ખાતે ચાલતી શ્યામ ઘનશ્યામ સ્કૂલને કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર સીધી જુહાપુરા ખાતે 'અહેમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન'માં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. શિક્ષણ વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જુહાપુરાની આ શાળા પાસે શૈક્ષણિક માન્યતા જ નથી, છતાં ત્યાં ‘ગવર્નમેન્ટ એપ્રૂવ્ડ’નું બોર્ડ લગાવી વાલીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. અમદાવાદ DEO કચેરીએ આ મામલે કડક વલણ અપનાવી તાત્કાલિક અસરથી શાળા બંધ કરવાના આદેશ આપ્યા છે.





















